Madhya Gujarat

સરકારના મર્યાદિત બજેટમાં તકલાદી કામો થાય છે

આણંદ : આણંદના સારસા ગામે બુધવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.આર. પાટીલના એક નિવેદનને લઇ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ પોતાના પ્રવચનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, સરકારના મર્યાદીત બજેટમાંથી બનતાં ભવનો તકલાદી હોય છે. સારસા ગામે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના નવા ભવનથી માત્ર તલાટી અને સરપંચને જ ફાયદો નથી. તેનો ફાયદો પ્રજાને પણ છે. પ્રજાના દસ્તાવેજો સચવાઇ રહેશે.

અગાઉના સમયમાં વરસાદમાં દસ્તાવેજો ખરાબ થઇ જતાં હતાં. જે હવે નહીં થાય. અગાઉ તલાટી આવે ત્યારે સરપંચ તેનું મોટલું માથું મુકી પાછળ પાછળ ફરતાં હતાં. પરંતુ હવે કામની પદ્ધતિ બદલાઇ છે. સરપંચો પણ ઉચ્ચ શિક્ષિત હોય છે અને તલાટીઓ પણ મર્યાદા સમજી ગયાં છે. તેમાંય હાલ ત્રણ ગામ વચ્ચે એક તલાટી છે. પરંતુ કોમ્પ્યુટરાઇઝ્ડ જમાનામાં કામની ઝડપ અને ચોક્સાઇ વધી છે. સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારમાંથી વ્યવસ્થા ઉભી કરતાં હોય છે,ત્યારે મર્યાદીત બજેટ હોય છે. આથી, તેનું ભવન પણ બહુ તકલાદી હોય છે. કોન્ટ્રાક્ટર પણ ન્યાય આપતાં નથી. જેથી મજબૂતાઇ હોતી નથી અને જાળવણી ન થતાં જર્જરીત બની જાય છે.  સી.આર. પાટીલના આ નિવેદનથી હાજર મહાનુભાવો પણ આશ્ચર્યચકીત થઇ ગયાં હતાં. આ સમારંભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અને દાતા પરિવાર સતીષભાઈ મહીજીભાઈ પટેલ, ભાનુબહેન સતીષભાઈ પટેલ પરિવાર હાજર રહ્યો હતો.

Most Popular

To Top