Madhya Gujarat

ગળતેશ્વરમાં પરિણીતા પિયર જતાં સાસરિયાએ બાળકી ખુંચવી લીધી

આણંદ : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં રહેતી પરણીતા પોતાની સાત માસની દીકરીને લઈને પિયર જવા માગતી હતી. પરંતુ તેના સાસરીવાળાએ દીકરી સાથે લઈ જવાની ના પાડી હતી અને તેને એકલી પિયરમાં મોકલી દીધી હતી. જેના પગલે પોતાની દીકરી પાછી મેળવવા પરિણીતાએ 181 અભયમની મદદ માંગી હતી. આ વાતની ખબર પડતા અભયની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે પતિને સમજાવીને બાળકી માતાને સોંપી હતી. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં રહેતી પરણીતા લગ્ન બાદ પ્રથમ વખતની પ્રેગનેન્સી સમયે પિયર ગઈ હતી. જ્યાં કોઈ કારણોસર તેને મિસકેરેજ થઈ જતા તેના સાસરીવાળાએ તેના પર આક્ષેપ કર્યો હતો. જેના પગલે તેમની વચ્ચે છુટાછેડા થઇ ગયા હતા, બાદમાં પરિણીતાના લગ્ન ફરી વખત તેના જૂના પતિ સાથે કરવામાં આવ્યાં હતાં.

આ લગ્ન બાદ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, દીકરીના જન્મ બાદ પણ સાસરીવાળા તરફથી ત્રાસ મળતા પરિણીતા આખરે કંટાળીને પિયર જવા માગતી હતી. પરંતુ તેના સાસરીવાળાએ તેની દીકરીને સાથે મોકલવા તૈયાર નહતાં. ગળતેશ્વરની બાજુમાં પીપળીયા ગામમાં પરિણીતાનું પિયર હતું. પિયર ગયા બાદ પરણીતાએ પોતાની દીકરી પાછી માગતા સાસરીવાળાએ મનાઇ કરી હતી. જેના પગલે પરણીતાએ 181 અભયમની મદદ માંગી હતી. આ વાતની ખબર પડતાં જ 181 અભયમની ટીમના ધીરલબહેન પ્રજાપતિ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે પતિ-પત્ની વચ્ચે પીસાતી સાત માસની બાળકી વિશે વિચારવા તથા કાયદાકીય રીતે સમજ આપી હતી અને સાત માસની માસૂમ બાળકી માતા ને પરત સોંપવામાં આવી હતી.

Most Popular

To Top