Vadodara

આવાસ યોજનાના ફોર્મ લેવા માટે આવેલા દંપતીની બાળકી લોકોની ભારે ભીડમાં વિખુટી પડી ગઇ

વડોદરા : વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવાનું આયોજન કરાયું છે. આવાસ યોજનાનો લાભ લેવા માંગતા શહેરીજનોનો ફોર્મ લેવા સબંધિત કચેરીઓ ખાતે ભારે ધસારો થઇ રહ્યો છે. ત્યારે રાવપુરા રોડ ખાતે આવાસ યોજનાની કચેરી ખાતે ફોર્મ લેવા આવેલા દંપતિની બાળકી ભારે ભીડમાં વિખુટી પડી ગઇ હતી. જે બાળકીને રાવપુરા પોલીસે શોધી તેના માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. કલાકો બાદ માતા-પિતાએ દીકરીને હેમખેમ જોતા પોલીસ અધિકારી સામે પોતાના આંસુ રોકી શક્યા ન હતા. માતાએ રડતા..રડતા..પોલીસનો આભાર માણ્યો હતો.

ઇ.ડબલ્યુ.એસ. યોજના અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે રાવપુરા રોડ ખાતે આવેલી આવાસ યોજનાની ઓફિસે આવાસ યાજનાના ફોર્મ લેવા લોકોનો ભારે ધસારો થઇ રહ્યો છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ફોર્મ વિતરણની મુદત તા. 31 ઓક્ટોબર સુધી લંબાવી દેવાઇ છે. આમ છતાં, ધીરજ ન રાખનાર લોકો ફોર્મ લેવા માટે વહેલી સવારથીજ લાંબી કતારો લગાવી રહ્યા છે. આજે પણ લોકોએ રાવપુરા રોડ સ્થિત ભારે ધસારો થયો હતો. આજે સવારે મોટી સંખ્યામાં લોકો ફોર્મ લેવા માટે ઉમટી પડતાં તંત્રને ભીડને કાબુમાં લેવી મુશ્કેલી થઇ ગઇ હતી. આ ભીડમાં ફોર્મ લેવા માટે આવેલા જયશ્રીબહેન રાણાની માસુમ દીકરી વિખુટી પડી જતાં દંપતી ચિંતિત બન્યા હતા.

દરમિયાન ભીડ નજીક ફૂટપાથ ઉપર રડી રહેલી બાળકી ઉપર રાવપુરા પોલીસની નજર પડતા પોલીસ મથકે લઇ ગયા હતા. માતા-પિતાથી વિખુટી પડી ગયેલી બાળકીને શાંત કરવા માટે પોલીસ દ્વારા પાણી અને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. બાદમાં એ.સી.પી. મેઘા તેવારે બાળકીના માતા-પિતાને શોધવા માટે એક ટીમ રાવપુરા રોડ સ્થિત આવાસ યોજનાની ઓફિસે મોકલી હતી. જ્યાં હાંફડા-ફાંફડા બનીને વિખુટી પડી ગયેલી દીકરીને શોધી રહેલા માતા-પિતા ઉપર નજર પડતા પોલીસે દંપતિને પોલીસ મથકે લઇ ગઇ હતી. અને દીકરીને સોંપી હતી. દીકરી હેમ ખેમ મળતા માતા જયશ્રીબહેન પોતાના આંસુ રોકી શક્યા ન હતા. દીકરી હેમખેમ મળી જતાં રાણા દંપતિએ પોલીસ અધિકારી મેઘા તેવાર સહિત પોલીસ ટીમનો આભાર માણ્યો હતો.

Most Popular

To Top