Health

નવરાત્રિ પહેલાં આટલું ધ્યાન ચોક્કસ રાખશો…

મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે બે કારણે… એક …ઉપવાસ અને બીજું… માતાજીના ગરબા. આ દિવસો દરમ્યાન મન મૂકીને નાચી શકાય અને સ્વસ્થતાપૂર્વક મા અંબાની આરાધના કરી શકાય તે માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સજજ હોવું આવશ્યક થઈ પડે. તો આવો આ અંકે આપણે સ્વસ્થતાપૂર્વક નવરાત્રિ કઈ રીતે ઉજવી શકાય તે જાણીએ…

મેડિકલ ચેકઅપ
જો આપની ઉંમર ૪૦થી વધુ છે તો નવરાત્રી પહેલાં એક વાર જનરલ ફિઝિક્લ ચેકઅપ કરાવો. જો કોઈ પણ પ્રકારની હૃદયની કામગીરી ખામીપૂર્ણ લાગે, બ્લડપ્રેશર કે શુગરનું પ્રમાણ વધુ આવે અથવા ખૂબ ઓછું આવે તો ડોકટરની સલાહ મુજબ દવા લીધા બાદ પ્રેશર / શુગરનું લેવલ નોર્મલ થાય પછી જ ગરબા રમવાની શરૂઆત કરો.

ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ ચેક
લોહીમાં સોડિયમ, પોટેશિયમ, કલોરાઈડ વગેરે ઇલેક્ટ્રોલાઇટનું યોગ્ય પ્રમાણ જળવાવું જરૂરી છે. જો નવરાત્રિ દરમ્યાન ઉપવાસ કરવામાં આવે તો આ પ્રમાણ ઘટીને ખૂબ ઓછું થઈ જાય જેની સીધી અસર હૃદયની કામગીરી પર થઈ એ ખોરવાઈ શકે. વળી, ગરબા રમતી વખતે પણ શક્ય હોય તો ૧૦૦-૧૦૦ મિલિ લીંબુપાણી (મીઠું ઉમેરીને) અથવા ORS લો જેથી ગરબા દરમ્યાન વધુ પસીનાને કારણે બ્લડ પ્રેશર લો ન થઇ જાય.

પાણીનું પ્રમાણ જાળવવું
નવરાત્રિના દિવસો એટલે ઋતુપરિવર્તનના દિવસો.… ચોમાસાથી શિયાળા તરફ ઋતુચક્ર બદલાય પરંતુ આ દિવસો દરમ્યાન પુષ્કળ તાપ અને બફારો અનુભવાય. ખૂબ પસીનો થાય એટલે આ દિવસો દરમ્યાન શરીર પુષ્કળ પાણી ગુમાવે. વળી, જો ગરબા રમવાનું થાય તો વધુ પસીનો થાય અને એના કારણે ડીહાઇડ્રેશન થવાથી બ્લડપ્રેશર ઘટી જઈ શકે.

યોગ્ય સ્ટેપ માટે એક્સપર્ટની સલાહ
ગરબા પણ કાર્ડિયો એક્સરસાઇઝનો જ એક પ્રકાર છે. તો એ ચોક્કસપણે શરીરને, સાંધાઓને, હાડકાંને નુકસાન ન કરે એ પ્રમાણે જ ગરબા રમવા જોઈએ. એ માટે યોગ્ય ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈ કોઈ સ્ટેપ આપના સ્નાયુ અને સાંધાઓને નુકસાન નથી કરી રહ્યા તે જોવું જરૂરી.

એનર્જી ફૂડનું સેવન
હંમેશાં ગરબા કરવા જતાં પહેલાં મુઠ્ઠીભર બદામ,ખજૂર, અખરોટ, અંજીર, કાળી દ્રાક્ષ જેવા એનર્જીથી ભરપૂર સૂકામેવાનું સેવન કરો જેથી ગરબા દરમ્યાન એનર્જીનું લેવલ ડાઉન ન થાય.
મસલ્સની સ્ટ્રેંથ (તાકાત) માટે પૂરતા પ્રમાણમાં પ્રોટિનનું સેવન
ગરબા દરમ્યાન શરીરના સ્નાયુઓમાં પુષ્કળ હલનચલન થાય છે અને એથી જ મસલ્સની મજબૂતી જરૂરી છે. તો આ માટે દિવસ દરમ્યાન યોગ્ય પ્રમાણમાં પ્રોટિન લેવાય તે માટે ઓછામાં ઓછી ૨ વાડકી દાળ( જાડી) અથવા ૧ વાડકો કઠોળ અથવા ૬૦૦ મિલિ દૂધ, અથવા ૪ ઈંડાં અથવા ૨૫૦ ગ્રામ ચિકન( તળેલું નહિ) અથવા ૧ મોટો વાડકો શીંગદાણા+ ચણા અથવા ૧૫૦ ગ્રામ પનીર પૈકી કોઈ પણ ૩ વસ્તુઓ લેવાવી જોઈએ.

મસલ્સ રિપેર અને એનર્જીનો બચાવ
ગરબા બાદ તરત એક થી બે કેળાં ખાઈ શકાય. કેળાંમાં સારા પ્રમાણમાં ગ્લુકોઝ હોવાથી ગરબા દરમ્યાન ગુમાવેલી એનર્જી ફરી મેળવી લેવાય જેથી બીજો દિવસ પણ સ્ફૂર્તિમય જાય. વળી કેળાંમાં રહેલાં પોષક તત્ત્વો થાકેલાં અને તૂટેલાં સ્નાયુઓને તરત જોડવાનું કામ કરે.

પૂરતી ઊંઘ
રાત્રે મોડું થાય તો સવારે એ રીતે ઊઠવાનો સમય નક્કી કરો કે જેથી ઓછામાં ઓછી ૬-૭ કલાકની ઊંઘ પૂરી થઈ શકે. શરીરનું આંતરિક શુદ્ધિકરણ આપણી રાતની ઊંઘ દરમ્યાન થતું હોય. જો પૂરતી ઊંઘ ન મળે તો શરીરમાં ટોક્સિન ભેગા થઈ શરીરની રોગપ્રતિકારકશક્તિ ઘટાડે અને નવરાત્રિનો ઉત્સાહ ઊતરતાં તરત માંદા પડવાનો વારો આવે.
ઉપવાસ
જો ગરબા રમવાના હોવ તો ઉપવાસ ટાળો અને જો ઉપવાસ કરવો જ પડે એમ હોય તો દર ૨-૪ કલાકે ફળો, દૂધ, સૂકામેવા, છાશ, નારિયેળ પાણી, મખાના જેવા પદાર્થોનું સેવન ચાલુ રાખો. ભૂખ્યા પેટે સતત ગોળાકારમાં કરેલી શારીરિક પ્રવૃત્તિ (ગરબા) સ્ટ્રોકનું કારણ બની શકે.

વધુ પડતાં કેફિનયુક્ત પીણાં ટાળો
ગરબામાં સ્ટેમીના માટે ઘણા લોકો બ્લેક કોફી અથવા સ્ટ્રોંગ કોફી પીતા હોય છે પણ આ કોફી તાત્કાલિક સ્ટેમીના વધારે અને પછી ખૂબ થાક અનુભવાય એવું પણ બને.
આવો નવરાત્રિ ઉજવીએ સંપૂર્ણ સ્વાસ્થ્યની સાથે.

Most Popular

To Top