સુરતી ક્યાંય પણ રહે, સેવાભાવી જ રહે છે

ખાવા પીવાના અને હરવા ફરવાના શોખીન સુરતીઓ દુનિયાના કોઈપણ ખૂણે હશે પણ તેમને સેવા કરવાનો અવસર મળે એ તક ઝડપી જ લે છે. આપણે સહુ જાણીએ જ છીએ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે આવી પરિસ્થિતિમાં જ્યારે દુનિયાના મોટાભાગના દેશો ચિંતામાં છે ક્યાંક આ તણાવ વિશ્વયુધ્ધમાં પરિવર્તિત ન થઈ જાય, ત્યારે એક સુરતી યુવાન જય વ્યાસ પોલેંડમાં બોર્ડર પર વોલંટિયર તરીકે સેવા આપી રહ્યો છે. ત્યારે ત્યાં પરિસ્થિતીનો તાગ મેળવીએ તેનાં જ શબ્દોમાં…

રોજ 10 થી 15 હજાર રેફયુજીઓ બોર્ડર ક્રોસ કરીને પૉલેન્ડમાં આવે છે: જય વ્યાસ
પૉલેન્ડમાં
અભ્યાસ અર્થે ગયેલો જય જણાવે છે કે, અહી હાલમાં માહોલ ખૂબ જ નાજુક છે અને રોજ 10 થી 15 હજાર જેટલાં રેફયુજીઓ બોર્ડર ક્રોસ કરીને પૉલેન્ડમાં આવે છે. અફરા તફરીના આવા માહોલમાં ચાલતાં આવતાં રેફયુજીઓ માટે અહીં બોર્ડર પર ખાવા પીવાની તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યારથી યુધ્ધની શરૂઆત થઈ ત્યારથી જ છેલ્લાં 11 વર્ષથી પૉલેન્ડમાં રહેતાં નિકુલભાઈ શર્મા અને તેમનાં શેફ મનોજ નોટિયાલ દ્વારા આ સેવા શરૂ કરાઇ છે અને રોજ અહી 3 થી 4 હજાર લોકોનું જમવાનું બને છે મેં આ અંગેની પોસ્ટ જોઈ અને ત્યાં વોલંટિયર તરીકે સેવા આપવા માટે પહોંચી ગયો. અમે અહીં રોજ 3 થી 4 હજાર લોકોને જમવાનુ પીરસવાની સાથે સાથે તેમને યોગ્ય ગાઈડ્ન્સ પણ આપીએ છીએ તેમજ જરૂરિયાતમંદને યોગ્ય દવા અને રડતાં બાળકોને ચોકલેટ આપીને ખુશ કરવાનું કામ પણ કરીએ છીએ. વધુમાં જય કહે છે કે, ઘર છોડીને આવેલાં રેફયુજીઓને જોઈને ઘર તો યાદ આવી જ જાય છે પણ બેઘરોની સેવા કરવામાં જ અમે અમારાં પરિવારજનોને મળવા જેટલો જ સંતોષ અનુભવીએ છીએ.’

Most Popular

To Top