SURAT

ફેનિલને સપોર્ટ કરનાર યુવા પાટીદાર આગેવાન કોણ? ગ્રીષ્માના પિતાએ પોલીસને આપ્યું નામ

સુરત: (Surat) ફેનિલે ગ્રીષ્માની હત્યા (Grishma Murder) કરી ત્યારે સ્થળ પર એવું કહેવાય છે કે, તેને સપોર્ટ કરવા સાથે 3 યુવાન આવ્યાં હતાં. આ 3 યુવાનની શેહમાં ગ્રીષ્માની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ મામલો પાટીદાર સમાજમાં હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ફેનિલ આખા પરિવારની હત્યા કરવાના ભયાનક આયોજન સાથે આવ્યો હતો. ત્યારે તેની સાથે પાટીદાર સમાજનો આગેવાન (Patidar community leader) પણ આવ્યો હતો અને તેની સાથે બાઇક પર અન્ય બે યુવાન આવ્યા હતા. આ 3 વ્યક્તિની ઓથ હોવાને કારણે જ ગ્રીષ્માની હત્યા કરવામાં ફેનિલ સફળ રહ્યો હતો. ગ્રીષ્માના પિતા નંદલાલ દ્વારા પણ પોલીસને આ મામલે પાટીદાર સમાજના આગેવાનનું નામ રજૂ કરવામાં આવ્યું છે.

  • ફેનિલને સપોર્ટ કરનાર યુવા પાટીદાર આગેવાનની પૂછપરછ કરાશે
  • અંગત કામો પણ પાટીદાર આગેવાન ફેનિલ પાસે કરાવતો હોવાની વાત
  • 3 વ્યક્તિની ઓથ હોવાને કારણે જ ગ્રીષ્માની હત્યા કરવામાં ફેનિલ સફળ રહ્યો
  • ફેનિલ સાથે ત્રણ યુવાન આવ્યા હોવાની દિશામાં પોલીસ તપાસ

મળતી માહિતી પ્રમાણે ગ્રીષ્માની હત્યા પહેલાં આ પાટીદાર આગેવાનને તમામ જાણ હતી. દરમિયાન આ મામલો ગંભીર બનતાં પાટીદાર સમાજનો આગેવાન સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી આ આગેવાન કોઇને જોવા નહીં મળ્યો હોવાની વિગત જાણવા મળી છે. ફેનિલે જ્યારે હત્યા કરી ત્યારે મોબાઇલ ફોન પર વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. તેમાં આ લોકોનો પણ વિડીયો રેકોર્ડ હતો. અલબત્ત, બાદમાં ગભરાયેલા આ પાટીદારે તેમનો વિડીયો લોકો પાસેથી મોબાઇલ ફોન લઇને ડિલીટ કરાવ્યો હોવાની વિગત જાણવા મળી છે.

આ મામલે ગઠિત કરવામાં આવેલા સીટના તપાસ અધિકારી પીઆઇ વનારે જણાવ્યું કે, પાટીદાર સમાજના આગેવાનનું નામ અમારી પાસે આવ્યું છે. જો જરૂર જણાશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. પાટીદાર આગેવાને અગાઉ ગ્રીષ્મા અને ફેનિલના સંબંધ બગડતાં સમાધાન કરાવ્યું હતું. આ ઉપરાંત ફેનિલ માથાભારે છાપ ધરાવતો હોવાને કારણે તેનાં અંગત કામો પણ પાટીદાર આગેવાન ફેનિલ પાસે કરાવતો હોવાની વાત છે. ફેનિલ જ્યારે પાસોદરા ગ્રીષ્માના ઘરે આવ્યો ત્યારે 3 લોકો સાથે આવ્યા હતા. તેમાં આ આગેવાનનો પણ સમાવેશ થાય છે.

Most Popular

To Top