Science & Technology

અમેરિકામાં ધોરણ-5 માં ભણતા બાળકોએ દરિયામાં મીની બોટ તરતી મુકી, 462 દિવસ પછી યુરોપમાં મળી

વોશિંગટન: (Washington) અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યના રાય જુનિયર હાઈસ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓએ (School Student) લગભગ છ ફૂટ લાંબી મિની બોટ (Mini Boat) બનાવી હતી. આ બાળકો પાંચમા ધોરણમાં ભણતા હતા. 2020 ના અંતમાં, બાળકોએ આ બોટને ઘણી બધી ભેટોથી ભરી અને તેને એટલાન્ટિક મહાસાગરમાં છોડી દીધી. બાળકોને આશા હતી કે આ બોટ કોઈક દરિયા કિનારે (Beach) અટકશે અને દુનિયાના કોઈ ખૂણે કોઈ વ્યક્તિ આ ભેટોને ખોલશે. છઠ્ઠા ધોરણના એક વિદ્યાર્થી વોલી સોલ્સ્ટિસ રીડને વિશ્વાસ હતો કે આ બોટનો સફર સફળ નહીં થાય અને તે પાણીમાં ક્યાંક ખોવાઈ જશે. તેણે કહ્યું, ‘સાચું કહું તો મને લાગ્યું કે તે ડૂબી જશે.’ જો કે, રીડનું અનુમાન ખોટું નીકળ્યું. આ મીની બોટ 462 દિવસ એટલે કે એક વર્ષ કરતાં વધુ સમય બાદ હવે મળી આવી છે. જે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. શાળાના કેટલાક બાળકો ઈચ્છતા હતા કે આ બોટ યુરોપમાં કોઇને મળે અને તેમનું આ સ્વપ્ન સાકાર થયું.

  • અમેરિકાના બાળકોએ દરિયાં મીની બોટ છોડી, સફળ થયો પ્રયોગ
  • મીની બોટ 462 દિવસ એટલે કે એક વર્ષ કરતાં વધુ સમય બાદ મળી
  • રાય રિપ્ટાઈડ્સ નામની આ બોટમાં ટ્રેકિંગ ઉપકરણ લગાવવામાં આવ્યું હતું

સંસ્થાએ સૌપ્રથમ 2018માં એડમ્સના સહયોગથી ‘રાય રિપ્ટાઈડ્સ’ નામની મીની બોટ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોરોનાના આગમન પછી, શાળાઓ બંધ કરવી પડી હતી. તેના કારણે આ પ્રોજેક્ટ પણ 2019-2020 ના સત્રમાં બંધ કરવામાં આવ્યો હતો. શાળાઓ ફરી ખુલ્યા પછી બાળકોના એક જૂથે તેને ફ્લોરિડાના ગલ્ફ સ્ટ્રીમ એટલાન્ટિક મહાસાગરમાં નીચે ઉતારી. મીની બોટમાં જીપીએસ ફીટ કરવામાં આવેલો હતો. તેથી વિદ્યાર્થીઓ બોટ ડૂબી જાય ત્યાં સુધી તેને ટ્રેક કરવામાં સક્ષમ હતા. શાળાના બાળકો તેના વિશે ખૂબ જ ઉત્સાહિત હતા અને દરરોજ તેનું અપડેટ થયેલ સ્થાન તપાસતા હતા. આ મીની બોટમાં શીલા એડમ્સ, રાય જુનિયર હાઈસ્કૂલના બાળકો અને તેમના શિક્ષક દ્વારા કેટલાક ચિત્રો ભરવામાં આવ્યા હતા. સાથે સાથે બાળકો દ્વારા સહી કરેલ ફેસમાસ્ક, તૂટેલા પાંદડા જેવી ઘણી વસ્તુઓ બાળકો દ્વારા એકત્રિત કરી મીની બોટમાં મૂકવામાં આવી હતી. શાળાનો ધ્યેય બાળકોને સમુદ્ર અને તેની વૈશ્વિક અસરો વિશે શિક્ષિત કરવાનો હતો. .

રાય રિપ્ટાઈડ્સ નામની આ બોટમાં ટ્રેકિંગ ઉપકરણ લગાવવામાં આવ્યું હતું. આ બોટે દરિયામાં 462 દિવસ પૂરા કર્યા અને આ સમય દરમિયાન અલગ-અલગ પોઈન્ટ પર પોતાના અસ્તિત્વની જાણ કરી હતી. આ મહિને નોર્વેના છઠ્ઠા ધોરણના બાળકને ડાયર્નેસ નજીકના નાના ટાપુ સ્માલામાં બોટ મળી. લગભગ 50 ટકા બોટ નાશ પામી હતી. બાદમાં તે મીની બોટને તેની શાળામાં લઈ ગયો હતો. તેણે તેના મિત્રો સાથે મળીને તેના પરની બધી ભેટોને ખોલી અને તેનું આનંદ માણ્યું હતું.

Most Popular

To Top