Dakshin Gujarat

માતાજીના જવારા વિસર્જન કરી પરત ફરતા સુરતની મહિલાને ડમ્પરે કચડી, 21 વર્ષીય પુત્રીને ઈજા

આમોદ: સુરત (Surat) અમરોલીના રહીશ આમોદના (Amod) અનોર ગામે માતાજીના જવારા વિસર્જન પ્રસંગ પતાવી સાસરે ભાલોદ જતા હતા ત્યારે સાંસરોદ પાસે બાઈકને અકસ્માત (Accident) નડતા પત્નીનું મોત (Death) થયું હતું ને પુત્રીને ઈજા થઈ હતી

  • અમરોલીના રહીશ આમોદના અનોર ગામે માતાજીના જવારા વિસર્જન પ્રસંગ પતાવી સાસરે ભાલોદ જતા હતા ત્યારે સાંસરોદ પાસે અકસ્માત નડ્યો
  • અકસ્માતમાં સુરતની મહિલાનું મોત, પુત્રીને ઈજા

આમોદના અનોર ગામે માતાજીના જવારા વિસર્જન પ્રસંગ પતાવી પ્રવિણસિંહ મોહનસિંહ ઝાલા (રહે. ગણેશનગર, અમરોલી, સુરત) પત્ની કપિલાબેન અને પુત્રી હેતલ સાથે મોટર સાઈકલ ઉપર પોતાના સાસરે ભાલોદ ગામે જઈ રહ્યા હતા. ત્યારે પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા સાંસરોદ ગામ નજીક નારેશ્વર ચોકડી પાસે ડમ્પરે તેમની મોટરસાઈકલની ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં કપિલાબેન રોડ પર પટકાતાં તેમના માથા ઉપરથી ડમ્પરનું વ્હીલ ફરી વળતાં ઘટના સ્થળે તેણીનું મોત નીપજ્યું હતું. જ્યારે 21 વર્ષીય પુત્રીને ઈજા થતાં 108ની મદદથી પાલેજ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રવિણસિંહ ઝાલાનો આબાદ બચાવ થયો હતો. કરજણ પોલીસે ફરાર ડમ્પર GJ-16-AV-9049ના ચાલક વિરુદ્ધ અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભુમાફિયાઓ તેમજ બેફામ દોડતા ડમ્પરો સામે રોષે ભરાયાં હતા.

ઉચ્છલના મિરકોટ ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત
વ્યારા: ઉચ્છલ તાલુકાનાં મિરકોટ ગામના બસ સ્ટેન્ડથી લક્કડકોટ તરફ જતાં રોડ ઉપર તારીખ ૧૦મી એપ્રિલે બપોરે ૪ વાગ્યાના અરસામાં ઇકો સ્પોર્ટ કાર નં.GJ-26-N-0674ના ચાલકે અરવિંદભાઇ દરજુભાઇ ગામીત (ઉ.વ.૩૭ રહે.મિરકોટ કરંજખડી ફળીયું તા.ઉચ્છલ જી.તાપી) પંદર વર્ષીય પુત્ર આયુષ અને તેના મિત્રની હીરો હોન્ડ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નં.GJ-26-L-1393ને ટક્કર મારતા બંને રોડ ઉપર પટકાયા હતા. જેમાં આયુષને ડાબા કાન ઉપર માથાના ભાગે, ખભા- છાતીના ભાગે તેમજ ડાબા પગે ઘૂંટણ નીચે ફેક્ચર થઈ ગયું હતું.

તેમજ જમણા હાથે પણ ગંભીર ઇજા થઇ હતી તેના મિત્ર ઐયુબ પ્રવિણભાઇ ગામીતને જમણા પગે ઘૂંટણથી નીચેના ભાગે ફેક્ચર તેમજ માથામાં ગંભીર ઇજા થઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બંને મિત્રોનું સારવાર દરમિયાન મોત થઇ ગયુ હતું. આ બનાવમાં પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top