SURAT

વિવર્સના હકમાં ફોગવાએ નાણાંમંત્રી નિર્મલા સીતારામન સમક્ષ કરી આ માંગ

સુરત: (Surat) વિવિંગ ઉદ્યોગને કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં બેન્ક લોનના હપ્તા અને વ્યાજમાં 31 જુલાઈ-2021 સુધી રાહત આપવા માટે મંગળવારે ફોગવા (ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન) દ્વારા કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન (Nirmala Sitaraman) સમક્ષ માંગ કરવામાં આવી છે. ફોગવાએ એક આવેદનપત્ર કેન્દ્રીય નાણામંત્રીને મોકલ્યું છે. જેમાં અપીલ કરી છે કે, હાલમાં દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન તથા ગુજરાતમાં (Gujarat) મિની લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેના લીધે બજારમાં માંગનો અભાવ છે. ઉપરાંત કારીગરો પણ વતન હિજરત કરી ગયા છે. તેના લીધે હાલમાં સુરતના ઉત્પાદન એકમો માંડ 20થી 30 ટકા ક્ષમતાથી જ કાર્યરત છે. સુરતમાં અંદાજે 7 લાખ પાવરલૂમ્સ છે, જેનો ધમધમાટ શાંત થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં વિવર્સ (Weavers) આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવાથી કેન્દ્ર સરકારે તેમને રાહત આપવી જોઈએ.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ કેપિટલ અને ટર્મ લોનના હપ્તા અને વ્યાજમાં રાહત માટે માંગણી કરી છે. તા.31 જુલાઈ-2021 સુધી બેન્ક લોનના હપ્તા અને વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે. કારણ કે, લોકડાઉનના લીધે આગામી બે-ત્રણ મહિના સુધી બજાર સુધરે અને માંગ નીકળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. જીએસટી તથા ઈન્કમટેક્સના પેન્ડિંગ રિફંડ અને ટફની પેન્ડિંગ સબસીડીનો લાભ વહેલી તકે ઉત્પાદકોને આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આ રિફંડ મળે તો વિવર્સ પરનો આર્થિક બોજો આંશિકપણે ઓછો થશે.

Most Popular

To Top