SURAT

સુરત સુસ્ત: મતદારોમાં દેખાયું ભયનું સંક્રમણ, 5 વાગ્યા સુધી ફક્ત 35 ટકા મતદાન

સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહત્વનો દિવસ એટલે મતદાનનો દિવસ કહેવાય પરંતુ રાજ્યમાં આ વખતે મતદાન પર જાણે કે કોરોનાના ભયનું સંક્રમણ ફેલાયું હોય તેવું પ્રતિત થયું હતું. રાજ્યની છ મહાનગર પાલિકાઓ માટે 21 ફેબ્રુઆરી રવિવારના દિવસે મતદાન યોજાયું હતું. જોકે બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 30 ટકા જેટલું મતદાન પણ નોંધાયું ન હતું. જેથી આંકડાઓ જોતા સ્પષ્ટ રીતે કહી શકાય કે આ વખતે મતદાન પર કોરોના સંક્રમણના ભયનું સંક્રમણ મતદારો પર હાવી રહ્યું હતું. સાંજે ચાર વાગ્યા સુધી ફક્ત 33.63 ટકા મતદાન જ નોંધાયું હતું.

સુરતમાં કેટલાક વિસ્તારો બાદ કરતાં મોટાભાગે મતદાન કેન્દ્રો નીરસ રહ્યાં હતાં. જોકે વહેલી સવારે તેમજ મતદાન પુરું થવાના સમયે લોકોમાં થોડોક ઉત્સાહ દેખાયો હતો પણ એકંદરે સમગ્ર દિવસ દરમ્યાન વાતાવરણ સુસ્ત દેખાયું હતું. તો બીજી તરફ ઈવીએમ મશીન ખોટકાવાના અને રાજકીય પાર્ટીઓના સભ્યો વચ્ચે કેટલીક જગ્યાએ ઘર્ષણના પણ દૃશ્યો જોવા મળ્યા હતા.

આ વિસ્તારોમાં ઈવીએમ ખોટકાયું
કતારગામ વોર્ડ ઓફિસ, આંબતાલાવડી, વોર્ડ નંબર 7, બુથ નંબર 19 માં ઈવીએમ મશીન ખરાબ થતા એક કલાક મતદાન બંધ રહ્યું હતું. અહીં નવું મશીન મુકાયા બાદ ફરી મતદાન શરૂ કરાયું હતું. સૈયદપુરા પ્રણામી મંદિર સામેની સ્કૂલમાં પણ ઈવીએમ બગડતા 1 કલાક મતદાન અટક્યું હતું. બીજી તરફ વોર્ડ નંબર 27 ડીંડોલી દક્ષિણ બુથ નંબર 52માં એક મશીન ખોટકાતા વોટીંગ 22 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવાયું હતું.

કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
લીંબાયતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા આમને સામને આવી ગયા હતાં. બંને પક્ષના લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ જેવો માહોલ બનતા પોલીસે મધ્યસ્થી કરી હતી. અહીં ટેબલ બાબતે માથાકૂટ બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના નેતા રવિન્દ્ર પાટીલ અને ભાજપના કાર્યકરો વચ્ચે શાબ્દિક બોલાચાલી થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

ઈવીએમમાં આપનું બટન ન દબાતું હોવાની ફરિયાદ
સુરતમાં વોટિંગ દરમ્યાન કેટલાક સ્થળોએ આમ આદમી પાર્ટીનું બટન ન દબાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતે એક વ્યક્તિ દ્વારા વિડીયો પણ વાયરલ કરાયો હતો. જોકે ટેક્નિકલ ખામી સામે આવે તે ઉ્દેશ્યથી આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના બટન માં ખામી હોવાની ફરિયાદ અન્ય વિસ્તારોમાં પણ કરાઈ હતી. ખાસ કરીને વરાછા કતારગામમાં આપના ઉમેદવારોના જ બટન નહિ દબાતા હોવાની દરેક વોર્ડમાંથી અસંખ્ય ફરીયાદો ઉઠી હતી. વોર્ડ નં:૬ (કતારગામ) રુમ નં-૪ માં પ્રાથમીક શાળા સ્કુલ નં-૧૭૨માં પણ મતદાતાઓએ ફરિયાદ કરી હતી.

હાથમોજા વગર જ લોકોએ મતદાન કર્યું
શહેરમાં કેટલાય વિસ્તારોમાં મતદાન મથક પર હાથમોજા ન અપાયા હોવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી હતી. વરાછા, કાપોદ્રા વિસ્તારમાં વોર્ડ નં- 5, 4, 14, 15, 16, 17, 2, 3, 1, 9, 10, 13 માં હાથના મોજા મતદાન કરવા આપતા ન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સેન્ટ્રલ ઝોનનાં કેટલાક મતદાન મથકો પર સાંજે મતદાન પુરું થવાના સમયે સેનેટાઈઝર પણ અપાતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top