SURAT

સુરતના મક્કાઈપુલ નીચે તાપી નદીમાં મગરને જોવા લોકો ઉમટી પડ્યા

સુરત: છેલ્લા ઘણા સમયથી ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સતત પાણી (Water) છોડાતા તાપી નદી (Tapi River) બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી છલોછલ છે. તાપી નદીમાં ડેમમાંથી પાણી આવવાની સાથે સાથે મગરો પણ આવ્યા હોય છેલ્લા ઘણા દિવસોથી નાવડી ઓવારા ખાતે મગર દેખાઈ રહ્યાં છે. જેના કારણે શહેરીજનોમાં કુતુહલ જોવા મળી રહ્યું છે. સોમવારે નાવડી ઓવારા ખાતે એકસાથે 4-5 જેટલા મગરો દેખાતા સુરત ફાયરની ટીમ ઓવારા પર લોકોની સેફટી માટે પહોંચી હતી. મળતી માહિતી મુજબ બુધવારના રોજ ફરી એકવાર મક્કાઈ પુલની નીચે તાપી નદીમાં મગર દેખાઈ આવ્યો હતો. મગર દેખાઈ આવતા સુરતીઓ જોવા માટે બ્રિજ ઉપર ઉમટી પડ્યા હતા.

સોમવારના રોજ દેખાઈ આવેલા મગરોનો કેટલાક સ્થાનિક યુવાનોએ વીડિયો ઉતાર્યો હતો અને તેમાં મગર સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો. અહીં માત્ર એક નહીં પરંતુ ચારથી પાંચ મગર દેખાયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો હતો. હવે સુરતમાં જુદા જુદા તહેવારોની ઉજવણી શરૂ થઇ ગઇ છે અને સુરતના તહેવારો અને તાપી નદીનો ખાસ નાતો છે. સૌથી પહેલા તો ખત્રી સમાજના લોકો કાગડી ત્રીજના દિવસે તાપી નદીમાં જવારા પધરાવવા જાય છે. તેવી જ રીતે દશામાના વ્રત શરૂ થઇ ગયા છે અને તેમાં પણ લોકો વિસર્જન માટે તાપી નદીના કિનારે જતા હોય છે અને આગામી દિવસોમાં આઠમમાં કૃષ્ણની પ્રતિમાનું વિસર્જન પણ થશે અને સૌથી મોટુ વિસર્જન ગણપતિનું પણ આવી રહ્યું છે. તાપી નદીમાં સીધુ વિસર્જન તો થઇ શકશે નહીં પરંતુ, કૃત્રિમ તળાવ પણ તાપી નદીના કિનારા ઉપર હોવાથી લોકો તાપી નદી સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે પણ મગર જોવા મળ્યાં હતાં. નર્મદા, વિશ્વામિત્રી અને મહીસાગરમાં મગર દેખાવા સામાન્ય બાબત છે પરંતુ તાપી નદીમાં અત્યાર સુધી મગર દેખાતા ન હતાં. હવે અહીં પણ મગર દેખાવા લાગ્યા છે જે ચિંતાનો વિષય છે. મગર દેખાવાની વાત મળતાની સાથે જ સુરતીઓ મગરને જોવા માટે બ્રિજ ઉપર ઉમટી પડ્યા હતા.

Most Popular

To Top