SURAT

વિદાય લેતા વરસાદ વચ્ચે તંત્ર ઉકાઈ ડેમ ભરી રહ્યું છે… સપાટી આટલા ફૂટ પર પહોંચી ગઈ

સુરત: (Surat) સુરત શહેરમાં ગઈકાલે રાત્રે વરસાદે બે કલાકમાં ધમધમાટી બોલાવતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. જો કે, શનિવારે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાના તમામ તાલુકામાં વરસાદે (Rain) વિરામ લીધો હતો. પરંતુ ઉપરવાસમાં (Catchment Area) વિતેલા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાતાં ઉકાઈ ડેમમાં (Ukai Dam) શનિવારે સવારે 1.56 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી 52 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ચારેક દિવસથી શહેર-જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ડેમ છલોછલ થવા આવ્યો છે. શનિવારે સવારથી શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના નદી-નાળાં ઉભરાઈ ગયાં હતાં. જેને કારણે હથનુર ડેમમાંથી 72 હજાર ક્યુસેક અને પ્રકાશામાંથી 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. શનિવારે સવારે ઉકાઈ ડેમમાં 1.56 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જે સાંજે ઘટીને 1.04 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે સવારથી ડેમમાંથી 52 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 341.95 ફૂટે પહોંચતાં ડેમ ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે.

ઉપરવાસમાં નોંધાયેલો વરસાદ
ઉપરવાસમાં આવેલા ટેસ્કા, યેરલી, ભુસાવલ અને સાગબારા ખાતે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય લખપુરી, ચીખલધરા, દેડતલાઈ, હથનુર, દહીગાવ, સાવખેડા અને નંદુરબારમાં એકથી સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. અને ગોપાલખેડા, બુરહાનપુર, શેલગાવ, ખેતીયામાં બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના માંગરોળ તાલુકામાં માત્ર 2 મીમી વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top