SURAT

ટેક્સટાઈલ: ઓડ-ઇવન પદ્ધતિથી માર્કેટ ચાલુ રાખવા સરકારને રજૂઆત કરાશે, સપ્લાય ચેઇન ચાલુ રાખવા લેવાયો આ નિર્ણય

સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ–૧૯ની સેકન્ડ વેવને કારણે ટેક્સટાઇલ ક્ષેત્રને પડનારી તકલીફને પહોંચી વળવા ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. જેમાં ટેક્સટાઇલ સપ્લાય ચેઇનને લગતાં તમામ સબ સેક્ટર જેવા કે યાર્ન મેન્યુફેક્ચરિંગ, યાર્ન ડીલર, વિવર ક્ષેત્રે શટલ લૂમ્સ, રેપિયર, વોટર જેટ અને એર જેટ, પ્રોસેસિંગ ક્ષેત્રે સી.ઇ.ટી.પી. તથા એમ્બ્રોઇડરી, ગાર્મેન્ટિંગ અને ટ્રેડર તેમજ ટ્રાન્સપોર્ટની સેવા આપનાર આ તમામ સેક્ટરના પ્રતિનિધિઓને ટેક્સટાઇલ (Textile) ટાસ્ક ફોર્સના સભ્યો બનાવી આગામી દિવસોમાં કેવી રીતે ટેક્સટાઇલના ધંધા–ઉદ્યોગને ઓછામાં ઓછી અસર થાય એ રીતે કામકાજ કરી શકાય એ અંગે મંગળવારે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટિંગ દરમિયાન ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સના મોટા ભાગના સભ્યો દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટ ચાલુ રહે તથા સમગ્ર ટેક્સટાઇલ સપ્લાય ચેઇન ધમધમતી રહે. તેની સાથે જ કોરોનાનું સંક્રમણ પણ કાબૂમાં રહે એ માટે કોવિડ–૧૯ની ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રનું કામકાજ ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.

ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ આ 4 સૂચન કર્યાં

  • ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે ટેક્સટાઇલ માર્કેટ ચાલુ રાખવી.
  • ટેક્સટાઇલ માર્કેટમાં વારાફરતી સામસામે દુકાનો ચાલુ રાખવી.
  • અઠવાડિયામાં છ દિવસ સુધી બેન્કિંગ અવર્સ દરમિયાન માર્કેટ ચાલુ રાખવામાં આવે.
  • માત્ર ચેકની લેવડદેવડ માટે માર્કેટ ચાલુ રાખવામાં આવે અને તાકાની ડિલિવરી ડાયરેક્ટ ડાઇંગ મિલોમાં થાય એવી વ્યવસ્થા કરવામાં આવે.

40 ટકા કારીગર સાથે માત્ર 20 ટકા મિલો ચાલી રહી છે
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગયા સપ્તાહે કેટલાક અંકુશો મુકાયા પછી 7 દિવસથી કાપડ માર્કેટ બંધ છે. વિવર્સોએ પણ 5 મે સુધી બંધ પાળ્યો છે અને એમ્બ્રોઇડરી કારખાનેદારોએ 15 મે સુધી કારખાનાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેના લીધે કારીગરોનું ખૂબ મોટા પાયે પલાયન થયું છે. અત્યારે માત્ર 40 ટકા કારીગરોની હાજરીમાં 300માંથી 20 ટકા મિલો ચાલી રહી છે. 80 ટકા મિલો જોબવર્કના અભાવે બંધ પડી છે. હવે માર્કેટ અને પાવર લૂમ્સ વધુ બંધ રહેશે તો 2020 જેવી સ્થિતિ સર્જાશે.
જિતેન્દ્ર વખારિયા, પ્રેસિડેન્ટ એસ.જી.ટી.પી.એ.

કાપડ માર્કેટ સપ્તાહમાં 5 દિવસ ખુલ્લી રહેશે તો જ કાપડ મિલો ચાલશે
અત્યારે ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે મુખ્ય પડકાર કારીગરોને સુરત રોકવા માટેનો છે. માત્ર 40 ટકા જેટલા કારીગરો ડાઇંગ અને પ્રોસેસિંગ એકમોમાં રહ્યા છે. કાપડ મિલો ત્યારે જ ચાલશે, જ્યારે રિંગ રોડ અને સારોલીની કાપડ માર્કેટ સપ્તાહમાં 5 દિવસ ખુલ્લી રહેશે. અત્યારે માર્કેટ બંધ છે. પરંતુ ઓનલાઇન વેપારમાં ઇ-કોમર્સ કંપનીઓ ફાવી રહી છે. સુરતની કાપડ માર્કેટો એ-રિટેલ માર્કેટો નથી. જો વેપારીઓ મોબાઇલ પર ડિઝાઇન બતાવી માલ ડિસ્પેચ કરે તો માર્કેટમાં ભીડ થશે નહીં. માર્કેટ ચાલુ રહેશે તો ટેક્સટાઇલની સંપૂણ ચેઇન ચાલશે.
કમલ વિજય તુલસ્યાન, પ્રમુખ-પાંડેસરા એસોસિએશન.

Most Popular

To Top