SURAT

વેસુમાં પરિવાર બર્થડે પાર્ટીમાં ગયો અને વેપારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત: (Surat) શહેરના વેસુ ખાતે નંદની એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય ધીરજ વિનોદ ચૌધરી બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા હતા. ગઈકાલે પરિવારના સભ્યો એક સંબંધીને ત્યાં બર્થડે પાર્ટીમાં (Party) ગયા હતા. ધીરજભાઈએ ઘરે એકલતાનો ગેરલાભ લઈને ગતરાતે પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હતો. પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે ઘટનાની જાણ થઈ હતી. ઉમરા પોલીસે વેપારીનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. ધીરજભાઈ મુળ રાજસ્થાન ઝુનઝુનુના વતની હતી. તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરામાં પિયરમાં આવેલી પરિણીતાએ ફાંસો ખાધો

સુરત: પાંડેસરાની જય અંબે નગર સોસાયટીમાં રહેતી 19 વર્ષીય મુસ્કાન ગંગારામ નિસાદે રવિવારે બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મુસ્કાનના 6 મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. લગ્ન બાદ યુપી સાસરે રહેતી હતી. દિવાળી બાદ તે સુરતમાં પિયરમાં રહેવા માટે આવી હતી. દરમિયાન રવિવારે અંતિમ પગલું ભરી લેતાં પોલીસે પરિણીતાનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

સરથાણામાં માનસિક બિમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

સુરત: સરથાણા ખાતે શાંતિનિકેતન સોસાયટીમાં રહેતી 59 વર્ષીય હંસાબેન હિમતભાઈ સોજીત્રાએ ગઈકાલે સવારે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હંસાબેન છેલ્લા 6 મહિનાથી મગજની બિમારીથી કંટાળી ગયા હતા. બિમારીથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રત્નકલાકાર છે. અને તેઓ મૂળ અમરેલીના વતની છે.

ભરથાણામાં યુવકે બેકારીથી કંટાળી ફાંસો ખાધો

સુરત: ભરથાણા ખાતે આવેલા આફ્રિકા મહોલ્લામાં રહેતા 20 વર્ષીય આકાશ મહેશ વસાવાએ ગઈકાલે રાત્રે કેનાલ રોડ ઉપર આવેલા એટલાન્ટા એલિઝા બિલ્ડિંગ પાસે ઝાડ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતાં પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આકાશ ઘણા સમયથી બેકાર હતો. જેના કારણે તે આર્થિક સંકડામણમાં હતો. બેકારીથી કંટાળી તેણે ગઈકાલે અંતિમ પગલું ભર્યું હતું.

Most Popular

To Top