SURAT

‘કેમ મારી બહેન સાથે માથાકૂટ કરી?’ તેમ કહી વરાછા ગરનાળા પાસેના સ્પાના મેનેજરને યુવકે માર્યો

સુરત (Surat) : વરાછાના ગરનાળા પાસે આવેલા સ્પાના (Spa) મેનેજરને સ્પાની માલિક મહિલાના ભાઈએ જાહેરમાં માર માર્યો હોવાની ફરિયાદ થઈ છે. આ બનાવની વિગત એવી છે કે, ગોડાદરાના વૃંદાવન સોસાયટીમાં રહેતો મુકેશ બાબુલાલ પનવાર ગરનાળા પાસે આર્યુવેદિક કોલેજની સામે આકાશ હોટેલની પાસે આવેલા સેવન-સી સ્પામાં છ મહિનાથી મેનેજર તરીકે નોકરી કરે છે. છેલ્લા બે મહિનાથી સ્પાના માલિક રીયા ખાતુને મુકેશભાઇને પગાર આપ્યો ન હતો. પગારની માંગણી કરતા રીયા ખાતુન અને તેની સાથે તેનો પતિ વિજય પારીખ અને અન્ય એક યુવક આવી ગયો હતો. આ ત્રણેયએ ભેગા મળીને મુકેશભાઇને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પગાર બાબતે માથાકૂટ થતા મુકેશભાઇ બે દિવસથી સ્પા ઉપર ગયા ન હતા. રવિવારે સવારે મુકેશભાઇ સ્પા પાસેથી પસાર થતા હતા ત્યારે રિયાનો ભાઇ નાગોરી બંગાળી નામનો યુવક આવ્યો હતો અને મુકેશભાઇને રસ્તામાં રોકીને ‘કેમ મારી બહેન સાથે માથાકૂટ કરી’ તેમ કહીને મુકેશભાઇને જમણી આંખના ભાગે હાથમાં પહેરેલું લોખંડનું કડુ મારી દીધું હતું. આ ઉપરાંત ચપ્પુ બતાવીને મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે મુકેશભાઇએ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઇને રિયા ખાતુન, તેનો પતિ વિજય પારીખ તેમજ અજમેર અલી ઉર્ફે નાગોરી બંગાળીની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાલ પાસે હિરા દલાલના ગળામાંથી એક લાખની સોનાની ચેઇન તોડાઇ
સુરત : પાલ અડાજણ ખાતે ગેલેક્ષી સર્કલ પાસે ચાલવા નીકળેલા હિરા દલાલના ગળામાંથી બે સ્નેચરો 1 લાખના કિંમતની સોનાની ચેઈન ખેંચી ભાગી ગયા હોવાની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પાલ અડાજણ ખાતે સિદ્ધશીલા રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય ચિરાગભાઈ યોગેશભાઈ શાહ હીરા દલાલીનું કામ કરે છે. ગત 21 જુને રાત્રે તેઓ ઘર પાસે ચાલવા માટે નીકળ્યા હતા. તેઓ ચાલતા ચાલતા ગેલેક્ષી સર્કલ પાસે આવ્યા ત્યારે બાઈક ઉપર બે અજાણ્યા આવ્યા હતા. તેમની પાસે આવીને બાઈક ધીમી પાડી બાદમાં તેમના ગળામાં રહેલી સોનાની બે તોલાની આશરે 1 લાખના કિમતની ચેઈન આંચકી ભાગી ગયા હતા. આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top