SURAT

સુરત મનપા ચૂંટણી: જાણો તમારા વોર્ડ વિશે: વોર્ડ નં- 5 ફૂલપાડા-અશ્વિનીકુમાર

સુરત: (Surat) સુરતમાં અઢી દાયકા પછી કોંગ્રેસના (Congress) જે 36 નગરસેવક ચુંટાઇ આવ્યા, તેમાં વોર્ડ નં.5ની પેનલ પણ મહત્ત્વની હતી. કેમ કે, મનપાના વહીવટની અનેક પોલ ખોલનાર દિનેશ કાછડિયા અને વિપક્ષી નેતા પ્રફુલ તોગડિયા આ વોર્ડમાંથી ચુંટાયા હતા. આ વખતે પણ કોંગ્રેસે ત્રણ સીટિંગ નગરસેવકને રિપીટ કર્યા છે. તો ભાજપે (BJP) નવા ચહેરા પર કળશ ઢોળ્યો છે. આ વોર્ડમાં વર્ષ 2015માં અનેક વખત ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી પણ થઇ હતી. ભાજપ માટે પ્રચાર કરવો પણ અહીં મુશ્કેલ હતો. આ વોર્ડમાં ઊભરાતી ગટરો, રખડતાં ઢોરની સમસ્યા મુખ્ય છે. તો જનસુખાકારીની યોજનાઓ બાબતે આ વિસ્તાર ઓરમાયો રહ્યો હોવાની બૂમ અવારનવાર ઊઠી છે. આ વખતે અહીં પણ આમ આદમી પાર્ટીની પેનલ છે. તેથી ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે. પ્રજા કોંગ્રેસના સીટિંગ કોર્પોરેટરોને ફરી અપનાવે છે કે ભાજપના નવા ચહેરા પર ભરોસો કરે છે. કે પછી ત્રીજા પરિબળ પર કળશ ઢોળી બંને પક્ષ સામે નારાજગી બતાવે છે.

ભૌગોલિક સ્થિતિ

વોર્ડ નં.5માં અમરોલી બ્રિજના કતારગામના છેડેથી અશ્વિનીકુમાર રેલવે બ્રિજને ક્રોસ કરી ઈનડોર ગેમ પ્લોટની ઈશાન ખૂણા સુધી ત્યાંથી દક્ષિણ તરફ વળી હાઈટેન્શન રોડ સુધી જે રોડ ક્રોસ કરી શ્રેયસ સ્કૂલ અને ઋષિકેશ એપાર્ટમેન્ટ (ટી.પી.૧૫ (ફૂલપાડા)) વચ્ચે પસાર થતાં ટી.પી. રોડ પર પસાર થઈ વલ્લભાચાર્ય બી.આર.ટી.એસ. રોડ સુધી ત્યાંથી પૂર્વ તરફ વળી વલ્લભાચાર્ય રોડ ઉપર પસાર થઈ હીરાબાગ જંક્શન સુધી, હીરાબાગ જંક્શનથી વરાછા મેઈન રોડ થઈ બરોડા પ્રિસ્ટેજ સુધી ત્યાંથી લંબે હનુમાન ગળનાળા સુધી સુરત-અમદાવાદ રેલવે લાઈન સુધી ત્યાંથી કતારગામની હદે હદે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર થઈ ગજેરા સર્કલ સુધી અને ત્યાંથી કતારગામ જીઆઈડીસીની દક્ષિણ પશ્ચિમ હદ ત્યાંથી અમરોલી બ્રિજ કતારગામ તરફના છેડે તાપી નદી સુધી.

  • જ્ઞાતિનાં સમીકરણો
  • કુલ મતદાર: 91 હજાર
  • પાટીદાર મત: 55 હજાર
  • ઓબીસી : 7 હજાર
  • પરપ્રાંતિય મત : 10 હજાર
  • દલિત મત: 2000
  • મુસ્લિમ મત : 1000
  • મૂળ સુરતી : 5000
  • કોંગ્રેસનાં ઉમેદવાર
  • દિનેશ કાછડિયા, પ્રફુલ તોગડિયા, દક્ષાબેન ભૂવા અને નીલમબેન વઘાસીયા
  • ભાજપનાં ઉમેદવાર
  • રસ્મીતાબેન હીરાણી, જયશ્રીબેન વોરા, ચેતન દેસાઈ અને ધર્મેશ કાકડિયા

દબાણો દૂર થાય, આડેધડ ખોદકામ બંધ થાય તેવું ઇચ્છીએ છીએ

વોર્ડ નં.5માં ધરમનગર રોડ પર દુકાન ધરાવતા મનીષભાઇએ જણાવ્યું હતું કે, અમે વરસોથી અહીં કામ-ધંધો કરીએ છીએ અને રસ્તા પરનાં દબાણોથી ત્રસ્ત છીએ. આ સમસ્યાથી છૂટકારો મળશે તેવી આશા હજુ સુધી પૂરી થઈ નથી. હવે નવા નગર સેવકો આ અપેક્ષા પૂરી કરે તેવી આશા છે. વળી, આ વિસ્તારમાં આડેધડ ખોદકામ થાય છે તે પણ બંધ થવા જોઇએ.

રખડતાં ઢોર અને સફાઈના પ્રશ્ન બાબતે ચુંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન આપે

આ વોર્ડમાં અશ્વિનીકુમાર રોડ પર રહેતા ડો.જયસુખભાઇ સભાડિયાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રખડતાં ઢોર અને સફાઇ બાબતે ઊઠતી સમસ્યા માથાના દુખાવાસમાન છે. આ સમસ્યાથી છૂટકારો આપે તેવા પ્રતિનિધિઓ અમારા વોર્ડમાંથી ચુંટાય તેવું ઇચ્છીએ છીએ.

ઊભરાતી ગટર અને મિલના ધુમાડામાંથી છૂટકારો જોઈએ
ફૂલપાડા વિસ્તારમાં રહેતાં ગૃહિણી વનિતાબેન રાઠોડે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ખાસ કરીને સફાઇની સ્થિતિ સારી નથી. વળી, ઠેકઠેકાણે ઊભરાતી ગટર અને પીવાના પાણી ગંદા આવવાની પણ સમસ્યા છે. મિલોના ધુમાડાના કારણે ઘણી વખત મુશ્કેલી થાય છે. આ બધી સમસ્યાઓથી છૂટકારો મળે તેવી મહાનગર પાલિકાના નગરસેવકો પાસેથી અપેક્ષા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top