SURAT

સુરત મનપા ચૂંટણી: જાણો તમારા વોર્ડ વિશે: વોર્ડ નં- 6 કતારગામ

સુરત: (Surat) વોર્ડ નં.6 કતારગામ (Katargam) એવો વિસ્તાર છે, જે સૌરાષ્ટ્રવાસી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ હોવા છતાં વર્ષ-2015ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનથી પ્રભાવિત થયો નહોતો. આ વોર્ડમાં ભાજપની પેનલ માત્ર 11000 મતની લીડથી જીતી હતી. આ વિસ્તારમાંથી મેયર ડો.જગદીશ પટેલ ચુંટાયા હતા. ગેરકાયદે બાંધકામોની (Illegal Construction) ભરમારને કારણે ગીચતા ધરાવતા આ વોર્ડમાં (Ward) દબાણો તેમજ સફાઇની સ્થિતિ અમુક હદે સ્થાનિક લોકોને અકળાવી રહી છે. ભાજપે આ વખતે ચારેય નવા ચહેરાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે જૂના જોગી માજી નગર સેવક રાઘવજી ગાયકવાડ સહિતના નેતાઓને ટિકિટ આપી છે. પાટીદાર ઉપરાંત મૂળ સુરતી અને પ્રજાપતિ મતો અહીં નિર્ણાયક રહે છે. રખડતાં ઢોરની (Stray Cattles) સમસ્યા પણ અહીંના લોકો માટે માથાનો દુખાવો છે. છેલ્લા મેયર ડો.જગદીશ પટેલનું આ હોમ ગ્રાઉન્ડ હોવાથી તેના પરફોર્મન્સના આધારે અહીં મત મળવાના હોય, ભાજપ માટે લીડ જાળવી રાખવાનો પડકાર છે. જ્યારે કોંગ્રેસ ખાતું ખોલાવવા ઝઝૂમશે. તો આમ આદમી પાર્ટીની પેનલ પણ પોતાની હાજરી નોંધાવવા ઝનૂનથી પ્રચાર કરી રહી છે.

વોર્ડની ભૌગોલિક સ્થિતિ

વાળીનાથ ચોક (વિહાર સોસાયટીના ઉત્તર તરફથી) સિંગણપોર રોડ પસાર થઈ ધનમોરા ચાર રસ્તા પસાર કરી રાશી સર્કલ ત્યાંથી ગજેરા જંક્શન થઇ ફૂલપાડા રોડથી જૂના સુમુલ ડેરી રોડ થઇ રેલવે ટ્રેક રેલવે સ્ટેશન થઈ લંબે હનુમાન ગળાનાળા સુધી ત્યાંથી દિલ્હી ગેટ જંક્શનથી ઉના પાણી રોડ પર પસાર થઈ લાલ દરવાજા જંક્શન નાગોરીવાડથી કતારગામ દરવાજાથી કતારગામ મેઈન રોડ પારસ પીપલ્સ ચાર રસ્તાથી પશ્ચિમ તરફ શકિત નગર, પી.એમ.ભગત સ્કૂલથી ઉત્તર તરફ ગાયત્રીનગર, અંબિકાનગરની પશ્ચિમે હરિઓમનગરના ઈશાન ખૂણાથી, બહુચરનગરથી વેડ રોડ અને વેડ રોડ ઉત્તર તરફ વાળીનાથ ચોક વિહાર સોસાયટી–૧ના ખૂણા સુધી.

  • કોંગ્રેસના ઉમેદવારો
  • લલિતા સોસા, કલ્પના જોશી, કલ્પેશ વરિયા અને રાઘવજી ગાયકવાડી
  • ભાજપના ઉમેદવારો
  • જયશ્રીબેન વરિયા, સોનલ દેસાઇ, દક્ષેશ માવાણી, ઘનશ્યામ સવાણી

આ વોર્ડની પ્રજા રસ્તા પરનાં દબાણો, રખડતાં ઢોર અને ગેરકાયદે બાંધકામોથી ત્રસ્ત છે

આ વોર્ડમાં મુખ્ય સમસ્યા ગેરકાયદે બાંધકામોની છે. કતારગામ ઝોનમાં સૌથી વધુ ગેરકાયદે એપાર્ટમેન્ટ અહીં ખડકાયાં છે. જેના કારણે ઊભરાતી ગટર અને પાણીના પ્રશ્નો પણ અમુક હદે લોકોને પરેશાન કરી રહ્યા છે. રસ્તા પરનાં દબાણો મામલે અવારનવાર ફરિયાદો થવા છતાં કોઇ નક્કર ઉકેલ આવ્યો નથી.

  • જ્ઞાતિનાં સમીકરણો
  • કુલ મતદાર : 111017
  • પાટીદાર : 28000થી વધુ
  • પ્રજાપતિ : 24000થી વધુ
  • મુસ્લિમ : 9000થી વધુ
  • દલિત : 12000થી વધુ
  • સુરતી : 20000થી વધુ

નવા ચહેરા જ બદલાવ લાવી શકે, તેથી અમારી પહેલી પસંદ : કિશોરભાઇ પટેલ

આ વોર્ડના અક્ષરનગરમાં રહેતા કિશોરભાઇ પટેલે જણાવ્યું હતું કે, વરસોથી એકના એક નેતાઓ જોઇને થાકી ગયા છીએ. આ વોર્ડમાં શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ જોઇએ તેવી સુવિધા મળતી નથી. તેથી અમે નવા વિચારો અને નવા ચહેરા ઇચ્છીએ છીએ. આવા ઉમેદવાર હશે તેને ચૂંટી મૂકીશું.

રસ્તા પરનાં દબાણોથી છૂટકારો અપાવો : ચંપાબેન તરસરિયા

આ વોર્ડમાં ચીકુવાડી ચાર રસ્તા નજીક રહેતાં ચંપાબેન તરસરિયાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રસ્તા પરનાં દબાણોને કારણે અમે ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છીએ. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવા પ્રતિનિધિઓ અમે ઇચ્છીએ છીએ. ઉપરાંત આ વિસ્તારમાં અવારનવાર ગંદા પાણીની સમસ્યા પણ છે. જેના માટે યોગ્ય આયોજનો થવા જોઇએ.

કતારગામમાં પણ વિકાસ પ્રોજેક્ટનાં આયોજનો કરો : દિવ્યાંશ દેસાઈ (એન્જિનિયર)
કતારગામ ખાતે રહેતા અને મૂળ સુરતી એવા એન્જિનિયર દિવ્યાંશ દેસાઈએ જણાવ્યું હતું કે, કતારગામ વિસ્તારમાં અઠવા અને રાંદેર જેવા મોટા પ્રોજેક્ટનાં આયોજનો જરૂરી છે. વિકાસની વિચારધારાને સ્વીકારનારાને જ અમારા પ્રતિનિધિ તરીકે ચૂંટીશું. આ ઉપરાંત કતારગામ ગામતળના વિકાસ માટે પણ યોગ્ય આયોજનની અમારી માંગ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top