Business

સુરતમાં મકાનોની કિંમતમાં એક જ રાતમાં આટલા લાખનો વધારો, હવે ઘર ખરીદવું મોંઘુ પડશે

સુરત: (Surat) બાંધકામ ઉદ્યોગમાં (Real Estate) સિમેન્ટ, સ્ટીલ, રેતી, કપચી, સિરેમિક સહિતના રો-મટિરિયલના ભાવો સતત વધતાં સાથે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધતાં સુરત ક્રેડાઈએ (Credai) 2 એપ્રિલથી સ્ક્વેર ફૂટ દીઠ 400થી 500 રૂપિયા ભાવ વધારવાનો નિર્ણય જાહેર કર્યો છે. ક્રેડાઈના આ નિર્ણયથી ટુ રૂમ બેડરૂમ ફ્લેટની કિંમત 2થી 5 લાખ વધશે. અમદાવાદ ક્રેડાઈ અને વલસાડ ક્રેડાઈ દ્વારા ભાવવધારો જાહેર કરવામાં આવ્યા પછી સુરત ક્રેડાઈએ આ નિર્ણય લીધો છે.

  • સુરત ક્રેડાઈનો 2 એપ્રિલથી સ્ક્વેર ફૂટ દીઠ 400થી 500 રૂપિયા ભાવ વધારવાનો નિર્ણય
  • ટુ રૂમ બેડરૂમ ફ્લેટની કિંમત 2થી 5 લાખ વધશે
  • સિમેન્ટ, સ્ટીલ, રેતી અને કપચી સહિતના રો-મટિરિયલના ભાવો વધતાં

બાંધકામના રો મટિરિયલ અને હાર્ડવેરનાં સાધનોની કિંમતમાં 30 ટકા સુધીનો વધારો થતાં આવાસો મોંઘાં થશે. 2 એપ્રિલથી ક્રેડાઇ સુરત સહિત રાજ્યમાં 400થી 500 રૂપિયા પ્રત્યેક સ્ક્વેર ફિટ પર ભાવવધારો લાગુ કરવામાં આવશે. 1000થી 8000 સ્ક્વેર ફૂટના મોટા ફ્લેટની કિંમતમાં 4થી 15 લાખ રૂપિયા સુધીનો વધારો થવાનો અંદાજ છે. સુરતમાં 60,000 ફ્લેટ વણવેચાયેલા છે. સુરત ડાયમંડ બુર્સના (Surat Diamond Burs) પ્રોજેક્ટ પછી ખજોદથી આભવા સુધી તથા અલથાણ, ભીમરાડ-વેસુ વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં ફ્લેટના ભાવો ઊંચકાયા છે. અહીં તેજી જોવા મળી રહી છે. એવી જ રીતે પાલ ગૌરવ પથ અને ઉમરા વિસ્તારમાં ભાવો ઊંચકાયા છે. તાજેતરમાં ક્રેડાઈ ગુજરાત (Credai Gujarat) દ્વારા બેઠક યોજવામાં આવી હતી, જેમાં સુરત સહિત ગુજરાતનાં 40 શહેરના ક્રેડાઈ ચેપ્ટરના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં બાંધકામના રો મટિરિયલના ભાવો વધવાથી ધોવાતા માર્જિન પર ચિંતન કરવામાં આવ્યું હતું.

સુરત ક્રેડાઈ પ્રમુખ સંજય માંગુકિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, બિલ્ડિંગ મટિરિયલના ભાવમાં 30 ટકાથી લઈને 100 ટકા સુધીનો વધારો થયો છે. આથી જૂના ભાવમાં બાંધકામ કરવું શક્ય નથી. તેથી સુરત ક્રેડાઈ સાથે સંકળાયેલા બિલ્ડરો 2 એપ્રિલથી બાંધકામના પ્રતિ ચોરસ ફૂટ ભાવમાં 400થી 500 રૂપિયાનો વધારો કરશે. અત્યારે બે બેડરૂમ હોલ કિચનનો 30થી 32 લાખનો ફ્લેટ હવે 34થી 38 લાખ સુધી પડશે.

Most Popular

To Top