લોકડાઉનમાં ઘર જેવું ખાવાનું પીરસતા ક્લાઉડ કિચન બન્યા બેસ્ટ ઓપ્શન…

સુરતીઓ ખાવાના શોખીન તો છે જ સાથે સાથે ખવડાવવાના પણ એટલા જ શોખીન છે પણ કોરોનાકાળ દરમિયાન એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે કોઈ એકબીજાને મળી પણ શકતું નહીં તો ખવડાવવાની તો વાત જ શું કરવી. ત્યારે આવા સમયે એવા લોકોની હાલત ખૂબ જ કફોડી બની હતી જેઓ કોરન્ટાઈન હોય અને પરિવારમાં તેઓ એકલા રહેતાં હોય કે કોઈ જમવાનું પહોંચાડી શકે એમ ન હોય. જો કે સુરતીઓ કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી જ લેતાં હોય છે અને આવા લોકોની વહારે આવવા માટે શરૂ કર્યા ક્લાઉડ કિચન. ક્લાઉડ કિચનનો કોન્સેપ્ટ લોકોને એટલો પસંદ પડ્યો કે આજે જ્યારે જનજીવન સામાન્ય થયું છે ત્યારે પણ આ ટ્રેન્ડ ઈન ડિમાન્ડ છે. ક્લાઉડ કિચન એક એવો કોન્સેપ્ટ છે જ્યાં બેસીને જમવાની સુવિધા નથી હોતી પણ ઘર જેવું જમવાનું તમે ઓનલાઈન કે ફોન દ્વારા ઓર્ડર કરીને મંગાવી શકો છો. તો આજે આપણે એવાં કેટલાક લોકો પાસેથી આ અંગે માહિતી મેળવીશું કે જેમણે કોરોના કાળમાં ક્લાઉડ કિચનની શરૂઆત કરીને આજે પણ આ ટ્રેન્ડ જાળવી રાખ્યો હોય. 

લોકો હેલ્ધી ડાયટ પ્રત્યે સજાગ બન્યા છે: અમી દલાલ
પાર્લે પોઈન્ટ
વિસ્તારમાં રહેતાં અમીબહેન દલાલ જણાવે છે કે, ‘કોરોનાકાળમાં મારા પરિવારમાં તમામ સભ્યો તથા પાડોશીઓ કોરોનાગ્રસ્ત થયા હતા અને તેઓ વસ્તુ લેવા માટે બહાર નીકળી શકે નહીં કે, જાતે પણ બનાવી નહીં શકતા હોવાથી મે તેમના ઘરે જમવાનું પહોંચાડવાનું શરૂ કર્યું અને મને ક્લાઉડ કિચનનો આઇડિયા આવ્યો. શરૂઆતમાં કોરોનાના કારણે શાક-રોટલી અને પ્રોટીન મળી રહે એવાં મેન્યૂથી શરૂઆત કરી અને બાદમાં ડિમાન્ડ અનુસાર અને આજના ટ્રેન્ડ અનુસાર વાનગીઓ ઉમેરી. જો કે કોરોના બાદ લોકો હેલ્થ પ્રત્યે જાગૃત બન્યા છે અને ઓછા તેલમાં બનતી હેલ્ધી રેસીપીને વધુ પસંદ કરી રહ્યા છે. આ અગાઉ હું રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલી હોવાના કારણે હેલ્પરો સાથે ઈવનિંગ પાર્ટી માટે ઓર્ડરો પણ લેવાના શરૂ કર્યા ’ વધુમાં અમીબહેન જણાવે છે કે, આ કોન્સેપ્ટમાં તમે કિચન તથા અમારી કામ કરવાની સ્ટાઈલ જોઈને ઓર્ડર આપી શકતા હોવાથી હાઇજિન પ્રત્યે પણ બેફિકર રહી શકો છો.’

હોટલ કરતા ભાવ ઓછા પણ ટેસ્ટમાં કોઇ બાંધછોડ નહીં : અંકુર ગોયલ
શહેરનાં
વેસુ વિસ્તારમાં વર્ષ 2016માં ક્લાઉડ કિચનની શરૂઆત કરનાર અંકુર ગોયલ જણાવે છે કે ‘મારે હોટલ જેવું જમવાનું લોકોને પરવડે એ ભાવમાં આપવું હતું અને એ પણ ટેસ્ટમાં કોઈપણ પ્રકારની બાંધછોડ વગર જ્યારે સુરતમાં આ કોન્સેપ્ટ અંગે મોટા ભાગના લોકો અજાણ હતા ત્યારે મેં પ્રોફેશનલ કૂક રાખીને ક્લાઉડ કિચનની શરૂઆત કરી હતી. મારે ત્યાં બનાવવામાં આવતી પંજાબી અને ચાઇનીઝ વાનગી લોકોને ખૂબ પસંદ પડે છે. લોકોને જેમ જેમ ખબર પડતી ગઇ તેમ તેમ રિસ્પોન્સ પણ વધુ સારો આવતો ગયો. જોકે લોકડાઉન દરમ્યાન ઓર્ડરોનંુ પ્રમાણ વધુ રહેતું હતું. અંકુરભાઈ કહે છે કે અમે પર િકલોના ભાવથી ડીશ આપીએ છીએ જેથી જો તમારંુ ફેમિલી નાનું છે તો ક્લાઉડ કિચનમાં ઓર્ડર કરવું તમારા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે.

જે ફૂડ ઘરમાં ખાઈએ છીએ, એ જ બીજાને પણ ખવડાવું છું: જસ્મિન પટેલ
છેલ્લાં
2 વર્ષથી ક્લાઉડ કિચનનો કોન્સેપ્ટ અપનાવનાર જસ્મિન પટેલ જણાવે છે કે, ‘ લોકડાઉન દરમિયાન લોકો બહાર જઈ શકતા ન હતાં ત્યારે મારાં મગજમાં ક્લાઉડ કિચનનો આઇડિયા આવ્યો. અવનવી રેસિપી બનાવવાનું હું શીખી જ હતી જેનો ઉપયોગ કરીને મેં પરિવારના સપોર્ટથી ક્લાઉડ કિચન શરૂ કર્યું. આ શરૂ કરવાનો મારો ખાસ હેતુ એ હતો કે લોકોને સારી ક્વોલિટીનું ફૂડ મળી રહે. મારું માનવું હતું કે જે વસ્તુ અમે ઘરમાં ખાઈએ છીએ એ જ ક્વોલિટીનું બીજાને પણ ખવડાવવું. હું ચાઇનીઝ, પંજાબી, મેક્સિકન, ઇટાલિયન અને થાઈ વાનગીઓ બનાવું છું એમાં સારી ક્વોલિટીની અને જે વસ્તુ યુઝ થતી હોય એનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખું છું. જો કે હવે જનજીવન સામાન્ય થઈ ગયું છે ત્યારે ઓર્ડરો ઓછા થયાં છે પણ સારી ક્વોલિટીના કારણે કેટલાક ગ્રાહકો નિયમિત ઓર્ડર આપતાં રહે છે.

કોરોનાના ડરથી 1 મહિનો ક્લાઉડ કિચન બંધ રાખ્યું: કવિતા અરોરા
કવિતા
અરોરા કહે છે કે, ‘લોકડાઉનમાં લોકોને ખાવા પીવાની ઘણી તકલીફો પડી અને સુરતીઓ તો ખાવા પીવાના શોખીન એટલે તેમને કઈક ચટાકેદાર ખાવાની ઈચ્છા તો થઈ જ જાય. લોકડાઉન દરમિયાન લોકો બહાર જઈ શકતા ન હતા અને કેટલીક વાનગીઓ ઘરે પણ બનાવી શકતા ન હતા. હું મેક્સિકન અને ઇટાલિયન વગેરે વાનગીઓ સારી રીતે બનાવી શકું છુ તો મારા મિત્રોએ મને આવું કઈક ચાલુ કરવાની સલાહ આપી. મિત્રોની સલાહ અને ફેમિલીના સપોર્ટના કારણે મે ક્લાઉડ કિચનની શરૂઆત કરી અને મને કોરોના દરમિયાન સારા એવાં ઓર્ડર મળતા થયા હતા. વધુમાં કવિતાબહેન જણાવે છે કે, ‘કિચન માટે જરૂરી સમાન લેવા માટે હું જાતે જ જતી હતી અને જેથી બીજી લહેર દરમિયાન મને પણ અનસેફ હોવાનું લાગ્યું અને મને લાગતું કે, બસ હવે આ લાસ્ટ ટાઈમ જ બહાર નીકળી શકીશ, અને આ ડરના કારણે મેં 1 મહિના માટે ક્લાઉડ કિચન બંધ કરી દીધું હતું અને હવે ફરી શરૂ કર્યું છે પણ કોરોનાકાળ દરમિયાન જેટલા ઓર્ડરો મળતા હતા તેના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે પણ હવે હું ક્લાઉડ કિચન ચાલુ રાખીશ અને તેમાં નવી નવી વેરાયટીઓ ઉમેરતી રહીશ.’

Most Popular

To Top