SURAT

સુરત: દારૂ વેચવા જમીન આપવા મુદ્દે પિતાની નજર સામે પુત્રની જાહેરમાં દોડાવી દોડાવીને હત્યા

સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં દારૂના (Alcohol) વેચાણ માટે જમીન ભાડે આપવાના મુદ્દે ત્રણેક વર્ષથી ચાલતા ઝઘડાનો લોહીયાળ અંત આવ્યો હતો. ગઈકાલે રાત્રે જમીન માલીકના પુત્રને જાહેરમાં દોડાવી દોડાવી ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી પતાવી દેવાયો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. પાંડેસરા પોલીસે (Police) હત્યાનો (Murder) ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • મૃતક મુંબઈ ભાગી ગયો હતો, 10 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો
  • પિતાની નજર સામે પુત્રને જાહેરમાં દોડાવી દોડાવીને પતાવી દેવાયો

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે સત્યનારાયણ નગરમાં રહેતા અને મુળ યુપીના 44 વર્ષીય શિવકુમાર જયનાથ પાલ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને દિકરા છે. તેમનો મોટો દીકરો ક્રિષ્ના ઉર્ફૅ કનૈયા મુંબઈમાં કલરકામ કરે છે. ગઈકાલે રાત્રે નવેક વાગ્યે ક્રિષ્ના તબેલાના દિવાલનું કામ પતાવી ઘરની બહાર બેઠો હતો. શિવકુમાર ગાયનો ચારો નાંખવા માટે ગયા હતા. ત્યારે માથાભારે ગણેશ અનિલ દુબે (રહે. ગંગોત્રીનગર પાંડેસરા) ચપ્પુ લઈને આવી ક્રિષ્નાને ગલીમાં દોડાવી દોડાવી ગળા, છાતી સહિતના શરીરના ભાગે ઉપરા છાપરી સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતા. પિતાની નજર સામે પુત્રની હત્યા કરી હતી.
ગણેશ અને મૃતક ક્રિષ્ના વચ્ચે ત્રણ વર્ષથી ઝઘડો ચાલતો હતો. ગણેશે જેતે સમયે ક્રિષ્નાના પિતા પાસે જગ્યા ભાડે માંગી હતી. પરંતુ નહી આપતા ઝઘડો થયો હતો. જે તે સમયે ક્રિષ્નાએ ગણેશને ચપ્પુના ઘા માર્યા હતા. જેથી ગણેશે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને ક્રિષ્નાની પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ તે સુરત છોડી મુંબઈ જતો રહ્યો હતો. અને દસેક દિવસ પહેલા જ મુંબઈથી સુરત આવ્યો હતો. ગણેશને તે સુરત આવ્યો હોવાની જાણ થતા બદલો લેવા માટે શુક્રવારે પણ તેના ઘરે જઈ ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગણેશ દુબે બે મહિના પહેલા દારૂના કેસમાં પકડાયો હતો. પોલીસે શિવકુમારની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી ગણેશની ધરપકડ કરી હતી.

ચોવીસ કલાક પહેલા બહેને જીવ બચાવી લીધો હતો
ક્રિષ્ના દસેક દિવસ પહેલા જ સુરત આવ્યો હોવાની ગણેશને જાણ થઈ હતી. તેને મારવાની ફિરાકમાં ફરતો હતો. હત્યાના ઍક દિવસ પહેલા પણ ગણેશ મૃતક ક્રિષ્ણાને મારવા માટે તેના ઘરે ગયો હતો. પરંતુ તેની બહેન વચ્ચે આવી જતા તેનો જીવ બચી ગયો હતો. પરંતુ બીજા દિવસે તેને એકલો બેસેલો જોઈ હુમલો કરી પતાવી દીધો હતો.

દારૂ વેચવા જમીન માંગી હોવાનો આક્ષેપ
મૃતકના પિતા શિવકુમારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ માથાભારે ગણેશે તેની પાસે દારૂના વેચાણ માટે પ્લોટની માંગણી કરી હતી. જ્યારે તેમને દારૂ વેચવા પ્લોટ આપવાની ના પાડી હતી. ત્યારે ગણેશે ધમકી આપતા તેના પુત્ર ક્રિષ્નાએ તેના પર હુમલો કર્યો હતો. જેના કારણે ત્રણ વર્ષ બાદ ગણેશે તેની અદાવત રાખી હત્યા કરી છે. જોકે પોલીસ સમક્ષ આરોપીએ મકાન ભાડે લેવા અંગે કહ્યું છે.

Most Popular

To Top