Dakshin Gujarat

મધ્યરાત્રિએ વડોદરાથી ભોદર ગામે લગ્નમાં જતા બેન્ડને અકસ્માત નડ્યો, ઘટના સ્થળે એકનું કરૂણ મોત

ભરૂચ,જંબુસર: હાલમાં લગ્નસરાંની સિઝનમાં વડોદરાથી (Vadodara) જંબુસર તાલુકાના ભોદર (Bhodar) ગામે બેન્ડના સાજિંદા કલાકારોને લઈ ટેમ્પો આવતો હતો. જંબુસર તાલુકાના સાત ઓરડી ફાટક પાસે અચાનક ટેમ્પો પર કાબૂ ન રહેતાં પલટી ખાતાં બેન્ડના ૧૩ જણાને નાની-મોટી ઈજા થઇ હતી, જેમાં એકનું ઘટના સ્થળે જ કરુણ મોત (Death) નીપજ્યું હતું.

  • જંબુસરની સાત ઓરડી ફાટક પાસે ટેમ્પો પલટી જતાં બનેલી ઘટના, રસવલીના વાસુદેવરાવ વાઘમારેનું મોત
  • ઈજાગ્રસ્ત સાતને જંબુસર રેફરલ હોસ્પિટલ અને છ જણાને વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડાયા

લગ્નસરાંની શુભ સિઝન હાલમાં ચાલી રહી છે. હાલમાં લગ્ન પ્રસંગે વડોદરાથી જંબુસર તાલુકાના ભોદર ગામે બેન્ડના સાજિંદાઓ ટેમ્પોમાં આવતા હતા. મધરાત્રિનો સમય હોવાથી ટેમ્પોચાલકે જંબુસર તાલુકાની સાત ઓરડી ફાટક અચાનક પલટી ખવડાવતાં ભારે શોરબકોર મચી ગયો હતો. ભારે અફરાતફરીમાં બેન્ડના ૧૩ સાજિંદા કલાકારોને નાની-મોટી ઈજા ૧૦૮-એમ્બ્યુલન્સ મારફત તાબડતોબ જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સાત જણાને જંબુસર રેફરલ હોસ્પિટલ તેમજ છ જણાને વડોદરા SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ટેમ્પો ઊંધો વળતાં ૭૨ વર્ષીય વાસુદેવરાવ શંકરરાવ વાઘમારે (રહે.,સરસવલી, તા.પાદરા, જિ.વડોદરા (મૂળ રહે.,મહારાષ્ટ્ર)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બાબતે જંબુસર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્તોની યાદી
અજરૂદ્દીન મહેમુદ મલેક (ઉં.વ.૨૨), મહેબુબ ઉમર મલેક (ઉં.વ.૫૫), સુરેશ જેન્તી માળી (ઉં.વ.૪૦), જાવેદ જીતુ મલેક (ઉં.વ.૫૫), જાફર કાસમ મલેક (ઉં.વ.૪૫), રાજુ ડાહ્યા રાઠોડ (ઉં.વ.૩૦), તોસીફ દિવાન (ઉં.વ.૨૭), ચંદુ વસાવા (ઉં.વ.૫૦), વિનુ કાનજી રાઠોડ (ઉં.વ.૨૨), જાવીદ અબ્બાસ મલેક (ઉં.વ.૨૫), નટુ ડાહ્યા રાઠોડ (ઉં.વ.૫૦), મીતેશ ભગવાનસિંહ રાઠોડ (ઉં.વ.૩૭), વિજય મરાઠા (ઉં.વ.૫૦) (તમામ રહે.,સરસવણી, તા-પાદરા, જિ-વડોદરા)

ઝઘડિયાના પ્રાંકડ ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, બેનાં મોત

ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પ્રાંકડ ગામ નજીક ટ્રકને ઓવરટેક કરવા જતાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હતા.

  • ટ્રકને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો, બેને ઈજા

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઝઘડિયાના પ્રાંકડ ગામ પાસે ટ્રકને ઓવરટેક કરવા જતાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગે ભરૂચ જિલ્લાના શનિવારે બપોરના બે વાગ્યાના અરસામાં ઓઘા ઉકા ડોળાશીયા (ઉં.વ.60) તેમજ શીવા છગન ડોળાશીયા (ઉં.વ.55) (બંને રહે.,ગામ જૂનારાજપરા, તા.તળાજા, જિ.ભાવનગર) મોટરસાઇકલ લઇને રાજપારડીથી ભાલોદ તરફ જઇ રહ્યા હતા. એ દરમિયાન તેમની આગળ જઇ રહેલી એક ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી અન્ય એક બાઈક સાથે તેમની બાઈક સામેથી અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓઘા તેમજ શીવા રોડ પર પટકાતાં ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતાં તેમના પર ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું. જેના કારણે બંનેને ગંભીર ઈજા પહોંચતાં ઓઘા ડોળાશીયા અને શીવા ડોળાશીયા બંનેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અને અન્ય બે ઇસમ મેહુલ રાજુ માછી તેમજ પરેશ વિનોદ મકવાણા (બંને રહે.,ભાલોદ, તા.ઝઘડિયા)ને પણ ઇજા પહોંચી હતી. આ ઘટના બાબતે મેહુલ રાજુ માછી (રહે.,ભાલોદ, તા.ઝઘડિયા)એ રાજપારડી પોલીસમથકમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top