Dakshin Gujarat

સુરતના દંપતીને નવસારીના 3 ભાઈએ માર માર્યો

નવસારી : નવા ગામે ઉછીના આપેલા રૂપિયા લેવા ગયેલા સુરતના (Surat) દંપતીને હળપતિ પરિવારના 3 ભાઈઓએ માર મારતા મામલો નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) પહોચ્યો છે. મળતી માહિતી મુજબ, સુરત રાંદેર પાલનપુર પાટિયા ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અજયભાઈ ઈશ્વરભાઈ રાઠોડે નવસારીના નવા ગામ ગર્લ્સ હોસ્ટેલની સામે રહેતા પ્રિતેશ હસમુખભાઈ હળપતિને ઉછીના 50 હજાર રૂપિયા આપ્યા હતા. જે રૂપિયા લેવા માટે ગત 24મી જુલાઈએ અજયભાઈ અને તેમની સારીકાબેન પ્રિતેશભાઈના ઘરે ગયા હતા. જ્યાં તેઓએ પ્રિતેશ પાસે આપેલા ઉછીના 50 હજાર રૂપિયા માંગ્યા હતા. ત્યારે પ્રિતેશ, તેમનો ભાઈ હરીલાલ માસીના છોકરાએ તમારા 50 હજાર ‘રૂપિયા નહી મળે તમારે થાય તે કરી લેવો’ તેમ કહેતા અજયભાઈની પત્ની સારીકાબેને ‘કેમ રૂપિયા નહી મળે, અમારે રૂપિયા જોવે’ તેમ કહેતા પ્રિતેશ અને તેના ભાઈઓ અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.

દરમિયાન પ્રિતેશે તેના ઘરમાંથી લાકડું લાવી અજયભાઈને માથામાં મારી દીધો હતો. તેમજ સારીકાબેનને અપશબ્દો બોલી તેમની સાથે ઝપાઝપી કરી હતી. અજયભાઈને માથામાંથી લોહી નીકળતું હોવાથી તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરતની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ બનાવ અંગે અજયભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રિતેશ, હરીલાલ અને પ્રિતેશની માસીના છોકરાની વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવતા હે.કો. ઘનશ્યામસિંહને સોંપી છે.

પગમાં પડેલો સડો સારો ન થતા ઘેલખડીના યુવાનનો આપઘાત
નવસારી : નવસારી ઘેલખડીના યુવાનને પગમાં સડો સારો નહીં થતા કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી ઘેલખડી માતા ફળીયામાં વિજયભાઈ છીબાભાઈ રાઠોડ (ઉ.વ. 22) તેમના પરિવાર સાથે રહેતો હતો. વિજયને પગમાં પથ્થર વાગ્યો હતો. જેના કારણે તેને પગમાં સડો લાગી ગયો હતો. જેની સારવાર પણ ચાલુ હતી. પરંતુ વિજયને સારૂ થયું ન હતું. જેથી કંટાળીને વિજયે પોતાના ઘરે ઓટલા ઉપર છતના લાકડા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે પરિવારજનોએ તેને ફાંસીએ લટકેલો જોતા તેઓએ તેને નીચે ઉતારી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ત્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ અજયભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. નિશાંતભાઈને સોંપી છે.

Most Popular

To Top