SURAT

સુરત મેટ્રોની કામગીરી પૂરજોશમાં: ચોકબજાર અને રાજમાર્ગ પર આ રસ્તાઓ સંપૂર્ણ બંધ

સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) અંતર્ગત કોટ વિસ્તારમાં રાજમાર્ગના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી ટાવર સુધીનો માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ (Road Close) કરવા તેમજ ચોકબજારથી ડીસીબી તરફ જતા રસ્તાને પણ સંપુર્ણ બંધ કરવા તૈયારી થઈ ચૂકી છે. આ માટે સુરત મનપા દ્વારા રસ્તાઓની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે.

શહેરનો મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટ હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે. ત્યારે અંડર ગ્રાઉન્ડ રૂટ પર વિવિધ જગ્યાએ કામગીરી ચાલુ થઇ જતા બેરિકેડ મુકી રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેમાં ચોકબજારથી મુગલીસરા જતા રસ્તાનો પણ સમાવેશ થાય છે. જો કે હાલમાં માત્ર એક સાઇડ બંધ કરાઇ હતી. પરંતુ હવે ચોકબજાર મેટ્રો સ્ટેશનના નિર્માણ માટે થઇ રહેલી કામગીરી અંતર્ગત ક્રાઇમ બ્રાંચથી ચોકબજાર ચાર રસ્તા સુધીનો સંપૂર્ણ રસ્તો બંધ કરવાની તૈયારી કરાઇ છે.

તેથી ડીસીબી ઓફિસ જવાની સમસ્યા ઉભી થવાની હોય અહી ફરજ બજાવતા કર્મચારીઓને અવર-જવર માટે ચોકબજાર કસ્તુરબા ગાર્ડનમાંથી એટલે ડીસીબી ઓફિસના પાછળના રસ્તો કરી આપવા નક્કી કરાયું છે. તેથી હવે ડીસીબીમાં આવતા પક્ષકારો, વકીલો તેમજ પોલીસ કર્મીઓની અવર-જવર માટે એન્ડ્રુઝ લાયબ્રેરીની પાછળથી કસ્તુરબા બાગમાંથી એક રસ્તો બનાવી આપવામાં આ‌વશે. એટલે ચોકબજાર સ્ટેટ બેંક પાછળના માર્ગથી કિલ્લાના મેદાનમાંથી ડાયવર્ઝન કરી દેવાયું છે. જે કિલ્લા મેદાનમાંથી બહાર નીકળી સીધા કસ્તુરબા ગાર્ડન થઇ ક્રાઇમ બ્રાંચમાં પાછળના ગેટથી પ્રવેશ મેળવી શકાશે.

દોઢ વર્ષ પહેલા લાખોના ખર્ચે ગાંધીબાગની ઐતિહાસિક દિવાલ બનાવી અને હવે મેટ્રો માટે તોડી પાડી

સુરત: (Surat) સુરતમાં હેરિટેજ સ્ક્વેર બનાવવાના નામે મનપા તંત્ર દ્વારા દાટ જ વાળવામાં આવ્યો છે. હેરિટેજ સ્ક્વેર (Heritage Square) બનાવવાની વાતો દાયકાથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી હેરિટેજ સ્ક્વેર બની શક્યું નથી. એક-એક પ્રોજેક્ટ બને છે પરંતુ સાથે નવા પ્રોજેક્ટ આવતાં આ પ્રોજેક્ટને તોડવા સુધીની નોબત આવી રહી છે. હેરિટેજ સ્ક્વેરના નામે મનપા તંત્ર દ્વારા ચોકબજારના ગાંધીબાગનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું. તેના માટે મનપા દ્વારા ગાંધીબાગની સુંદર દિવાસ બનાવવામાં આવી હતી.

તેને ઐતિહાસિક લૂક પણ આપવામાં આવ્યો હતો પરંતુ પ્લાનિંગ વિના કામ કરતી મનપાને કારણે હવે મેટ્રો રેલ (Metro Rail) માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ ગાંધીબાગની દિવાલ તોડી નાખવામાં આવી છે. આ દિવાલ ફરી બનાવી આપવા માટે મેટ્રો રેલ બનાવતી જીએમઆરસી દ્વારા જવાબદારી લેવામાં આવી છે પરંતુ જે રીતે ઐતિહાસિક દેખાવ ધરાવતી દિવાલ બની હતી. તેવી દિવાલ હવે ફરી બનશે કે કેમ? તે મોટો પ્રશ્ન છે. દોઢ વર્ષ પહેલા જ બનેલી આ દિવાલ તૂટતાં જાણે દળી-દળીને ઢાંકણીમાં જેવો ઘાટ થયો છે.

Most Popular

To Top