Entertainment

અમેરિકાની થ્રીલર ફિલ્મ જિન્ન પરથી બનેલી હિન્દી ફિલ્મનું શૂટિંગ સુરતના આ વિસ્તારમાં થયું

સુરત: (Surat) 2014માં બનેલી હોલીવૂડના વિખ્યાત અમેરિકન એક્શન, હોરર, થ્રીલર મૂવી ‘જિન’ (Movie Jinn) પર આધારિત મલયાલી અને હિન્દીભાષામાં બનેલી ‘જિન’ ફિલ્મનું શૂટિંગ સુરતમાં કેટલાંક મહત્ત્વનાં લોકેશન પર કરવામાં આવ્યું હતું. જિનના હિન્દીમાં ડબ થયેલા ટ્રીઝરમાં સુરતનાં ત્રણ લોકેશન (Surat Location) ખૂબસૂરતી સાથે ફિલ્માવવામાં આવ્યાં છે. આ મૂવીમાં વિયર કમ કોઝવે પર અભિનેત્રી માછલીઓને જોઇ ગભરાતી જોવા મળે છે. જ્યારે રાંદેર-ગોરાટ રોડ પર આવેલી પ્રસિદ્ધ મસ્જિદે અલીનો એરિયલ વ્યૂ અને રસ્તાનો વ્યૂ ફિલ્માવવામાં આવ્યો છે. જ્યારે ત્રીજું દૃશ્ય સુરત મનપાની નર્મદ લાઇબ્રેરીનું રજૂ કરાયું છે.

સોમવારે સોશિયલ મીડિયામાં આ ટ્રીઝર ફરતું થતાં સુરતીઓને આશ્ચર્ય થયું હતું. જો કે, દૃશ્યો જોતાં એવું લાગે છે કે કોરોનાની પ્રથમ લહેરના સમયે આ દૃશ્યો ફિલ્માવવામાં આવ્યાં હોઇ શકે છે. રાંદેર-ગોરાટ રોડ પર રોયલ હેરિટેજ બિલ્ડિંગના ભાગ તરીકે તુર્કિસ અને મોરક્કન કલ્ચરમાં બનેલી મસ્જિદે અલીનું દૃશ્ય ફિલ્માવવામાં આવ્યું છે.

આ બિલ્ડિંગમાં રહેતા અગ્રણી બિલ્ડર સૈયદ અલી(બાવા)એ જણાવ્યું હતું કે, ફિલ્મના ટ્રીઝરમાં કોઝવે અને મસ્જિદે અલીનું દૃશ્ય ફિલ્માવવામાં આવ્યું છે. આ મસ્જિદ તુર્કી અને મોરક્કોમાં જેવી કલાત્મક બની છે, તેવી આબેહૂબ 40×40ની જગ્યામાં રોયલ હેરિટેજ પ્રોજેક્ટના ભાગ સ્વરૂપે બનાવવામા આવી છે. 2017માં તેનુ કામ પૂરું થયું તે પછી અનેક લોકો તેનું ફિલ્માંકન કરી ચૂક્યા છે. તુર્કિસ-મોરક્કન કાર્વિંગ વર્કના જાણીતા આર્ટિસ્ટ અબ્દુલ હકીમ ખાને આ કલાત્મક મસ્જિદ બનાવી છે. સદનસીબે તેઓ છેલ્લાં કેટલાંક વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે.


મુંબઈમાં શુટિંગ બંધ રહેતાં ફિલ્મો અને સિરિયલોનું શુટિંગ સુરતમાં થયું

કોરોના સંક્રમણને લીધે મુંબઇમાં ફિલ્મસિટી સહિતના સ્ટુડિયો બંધ રહેતાં કેટલીક જાણીતી સિરિયલોની શુટિંગ સુરતમાં થઇ છે. સુરતમાં કોરોનાની સેકન્ડ લહેર પછી સ્થિતિ સુધરતાં ઇચ્છાપોર મેરિયેટ અને દાંડી-નરથાણ રોડ પર એન્ડ ટીવીની સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ?નું શુટિંગ થયું હતું. એવીજ રીતે અત્યારે હપ્પુ કી ઉલ્ટન પલ્ટનનું શુટિંગ પણ ચાલી રહ્યું છે. ભૂતકાળમાં મહેશ ભટ્ટે કુમાર ગૌરવ-શહેનાઝ પટેલ અભિનિત ટેલીફિલ્મ જનમનું શુટિંગ સુરતમાં કર્યું હતું. સુનીલ શેટ્ટીની પ્રારંભિક ફિલ્મ બલવાનનું શુટિંગ પણ પાંડેસરાની મિલમાં થયું હતું. તેમજ રિષી કપૂર અને પરેશ રાવલ અભિનિત ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ અને અક્ષય કુમાર અભિનિત એક ફિલ્મનું શુટિંગ ડુમસમાં નવાબના બંગલે થઇ ચૂક્યું છે.

Most Popular

To Top