SURAT

GST સર્ચ કે સર્વેની કાર્યવાહી દરમિયાન કોઇ પણ રીતે રિકવરી કરી શકાશે નહીં- હાઈકોર્ટ

સુરત: (Surat) ડીજીજીઆઇ સમક્ષ વેપારીઓની હેરાનગતિ મુદ્દે મંગળવારે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં મુખ્ય કેસ ભૂમિ એસોસિએટ તરફથી કરવામાં આવેલા કેસ સાથે જ અન્ય ત્રણ કેસોની (Case) સુનાવણી પણ થઇ હતી. તમામ ચારેય કેસોમાં વેપારીઓ દ્વારા ડીજીજીઆઇના અધિકારીઓ પર સર્ચની કાર્યવાહી દરમિયાન બળજબરીપૂર્વક રિકવરીનો આરોપ મુકવામાં આવ્યો હતો. કેસની સુનાવણીના અંતમાં હાઇકોર્ટ (High Court) દ્વારા ઈન્ટરિમ ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. જેમાં ચાર મુદ્દાઓ સૂચવવામાં આવ્યા હતાં.

કેસની માહિતી આપતા એડવોકેટ અવિનાશ પોદ્દારે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા આજે ભૂમિ અસોસિએએટના સંચાલક તરફથી કરવામાં આવેલી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીજીજીઆઇ સમક્ષ અન્ય ત્રણ કંપનીઓ દ્વારા હેરાનગતિ મુદ્દે કરવામાં આવેલા કેસો પણ મર્જ કરવામાં આવ્યા હતા. પોદ્દારે જણાવ્યું હતું કે ભૂમિ એસોસિએટના સંચાલક મુકેશ મારૂને ગત મહિને ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કેસના સંબંધમાં બોલાવ્યા બાદ 40 કલાક સુધી બેસાડી રાખ્યા હતા. જેને લીધે ત્રાસી જઇ મુકેશે પાંચમાં માળેથી કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ બચી ગયા હતા.

આ સંબંધમાં આજે સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા દેવાંગ વ્યાસ હાજર રહ્યા હતા. તેમની તબિયત સારી નહીં હોવાથી તેઓ ડાયરેક્ટ હોસ્પિટલથી કોર્ટમાં હાજર થયા હતા, અને કોર્ટ પાસે બે દિવસનો સમય માંગ્યો હતો, કોર્ટે તેમની વાત સ્વીકારી હવે 18મી તારીખે હિયરિંગ રાખ્યું છે. જો કે તે દરમિયાન ચાર મુદ્દાઓનો ઈન્ટરિમ ઓર્ડર જારી કર્યા હતા. જે અંગે સીબીઆઇસી, ચીફ કમિશનર અને રાજ્ય સરકારને પણ ગાઇડલાઇન જારી કરવામાં આવે તેવું જણાવ્યું હતું. ડીજીજીઆઇના અધિકારીઓ મોડેથી પહોંચતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

  • કોર્ટે સુચવેલા ઈન્ટરિમ ઓર્ડરના મુદ્દાઓ
  • સર્ચ કે સર્વેની કાર્યવાહી દરમિયાન કેશ, ચેક કે આઇટીસી દ્વારા અથવા કોઇ પણ રિકવરી કરી શકાશે નહી.
  • જો કરદાતા ઇચ્છે તો પણ સર્ચની કાર્યવાહીના એક દિવસ બાદ ટેક્સ વસૂલીની કાર્યવાહી કરાશે.
  • સર્ચની કાર્યવાહીથી જો કોઇ અસંતુષ્ટ હોય અથવા રિકવરી માટે ફોર્સ કરવામાં આવ્યો હોય તો ફરિયાદ કરી શકે તે માટેની ફરિયાદ શાખાની વ્યવસ્થા કરવામાં આવે
  • જો કોઇ અધિકારી દોષી જણાય તો તેની સામે ડિસિપ્લિનરી કાર્યવાહી કરવામાં આવે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top