SURAT

આજે ભક્તો ભારે હૈયે દુંદાળા દેવને વિદાય આપશે, 55 હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન કરાશે

સુરત: (Surat) શુક્રવારે અનંત ચૌદશના દિવસે બે વર્ષ બાદ શહેરમાં ધામધુમથી શ્રીજી વિસર્જનયાત્રાઓ નિકળશે તેથી શહેરના માર્ગો ધમધમી ઉઠશે. સતત 10 દિવસ સુધી હર્ષોલ્લાસથી ગણેશજીની ભક્તિ (devotion) કર્યા બાદ ભક્તો શુક્રવારે દુંદાળા દેવને ભીની આંખે વિદાય આપશે. આ વર્ષે કોરોનાનું સંક્રમણ પણ નહીવત હોય, લોકો ખુબ જ ધુમધામથી ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. શહેરમાં મોટી સંખ્યામાં ઘરે ઘરે અને સોસાયટીઓમાં ગણેશજીની (Ganesh) સ્થાપના કરવામાં આવી છે. અને હવે શુક્રવારે ભક્તો ગણેશજીને વિદાય આપશે. તંત્રના અંદાજ મુજબ શહેરમાં 67 હજારથી વધુ પ્રતિમાઓંનુ સ્થાપન થયું હતું. જે પૈકી 10 હજાર જેટલી પ્રતિમાઓનું જુદા જુદા દિવસે વિસર્જન થઇ ચુકયું હોય શુક્રવારે 55 થી 57 હજાર પ્રતિમાઓનુ વિસર્જન (Visarjan) કરાશે. જો કે આ વખતે પણ નદી, તળાવ કે કેનાલમાં વિર્સજન પર પ્રતિબંધ હોવાથી મનપા દ્વારા જુદા જુદા ઝોનમાં બનાવાયેલા કુત્રિમ તળાવોમાં પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે, જ્યારે તેનાથી મોટી પ્રતિમાઓને ડુમસના દરિયામાં વિસર્જન કરવા જાહેરનામું તંત્ર દ્વારા જારી કરી દેવાયું છે.

મહાભારતના રચયીતા વેદવ્યાસે પરંપરા શરૂ કરી હોવાનું મનાય છે
ધાર્મિક ગ્રંથોમાં ગણેશજીને વિસર્જિત કરવાનો કોઇ ઉલ્લેખ મળતો નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાભારત લખવા માટે એક ગુણી લેખકને શોધી રહ્યા હતાં ત્યારે આ કામ માટે ગણેશજી તૈયાર થયા હતાં પરંતુ તેણે શરત રાખી હતી કે જ્યાં સુધી મહર્ષિ અટક્યા વિના બોલશે ત્યાં સુધી તેઓ સતત લખતાં રહેશે. વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસે મહાભારતની કથા સંભળાવવાની શરૂ કરી હતી. ગણેશજી સતત 10 દિવસ સુધી કથા લખતાં રહ્યાં. કથા પૂર્ણ થયા બાદ મહર્ષિ વેદવ્યાસે આંખ ખોલી. તેમણે જોયું કે વધારે મહેનતના કારણે ગણેશજીના શરીરનું તાપમાન વધી રહ્યું છે. સતત રાત-દિવસ લખવાના કારણે ગણેશજીના શરીરનું તાપમાન વધવા લાગ્યું, ત્યારે વેદવ્યાસે તેમને શરીર ઉપર માટીનો લેપ લગાવીને ભાદરવા સુદ પક્ષની ચૌદશના રોજ તેમની પૂજા કરી. માટીનો લેપ સૂકાઇ ગયા પછી ગણેશજીનું શરીર જકડાઇ ગયું. તેમના શરીરનું તાપમાન પણ વધી રહ્યું છે, ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને પાણીમાં સ્નાન કરાવ્યું. મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી ચાલ્યું હતું અને અનંત ચૌદશના દિવસે પૂર્ણ થયું હતું. ત્યારથી જ ગણેશજીને ઘરમાં બેસાડવાની પરંપરા ચાલી રહી છે.

વિસર્જન શું છે ? કેવી રીતે કરવું જોઇએ ?
વિસર્જન સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ પાણીમાં વિલીન થવું થાય છે. આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી મૂર્તિઓને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે. વિસર્જનની ક્રિયામાં મૂર્તિ પંચતત્વમાં સમાહિત થઇ જાય છે અને દેવી-દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.
ભગવાન ગણેશની મૂર્તિને આપમેળ જ પીગળવા દેવી જોઇએ. તેને જબરદસ્તી હાથ વડે દબાવવી જોઇએ નહીં. પ્રતિમા વિસર્જન થયા પછી પાણી અને માટી ઉપર પગ અડાડવો નહીં. મૂર્તિ વિસર્જનનું પાણી તુલસીના છોડમાં અર્પણ કરવું નહીં. ઉત્તર દિશા તરફ મુખ કરીને ગણેશ પ્રતિમા વિસર્જન કરવું જોઇએ. ત્યાં જ, ગણેશ વિસર્જનની પૂજામાં વાદળી અને કાળા રંગના કપડા પહેરવા જોઇએ નહીં.

ગણપતિ વિસર્જનના મુહૂર્ત
સવારે 6થી 7.30 ચલ
સવારે 7.30થી 9 લાભ
સવારે 9થી 10.30 અમૃત
બપોરે 12થી 1.50સુધી શુભ
સાંજે 4.30થી 6સુધી ચલ
રાત્રિના 9થી 10:30 સુધી લાભ

Most Popular

To Top