Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતમાં મોડી રાત સુધી વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી

સુરત: (Surat) વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે રાજનીતીના એપી સેન્ટર સુરતમાં ભાજપનો (BJP) ગઢ સાચવી રાખવા માટે ભાજપ એક પણ તક ચુકતુ નથી. જેના ભાગ રૂપે દરેક મુખ્યમંત્રીઓની જેમ વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પણ લોકસંર્પકનો સૌથી સરળ રસ્તો એવા ગણેશ ઉત્સવની તક જડપી લીધી છે, અને ગૂરૂવારે રાત્રે સાડા આઠ વાગ્યે સુરત આવી પહોંચેલા મુખ્યમંત્રીએ એરપોર્ટ ખાતે જ ભોજન લીધા બાદ સુરતમાં ગણપતિ બાપ્પાના દર્શન માટે રાઉન્ડ શરૂ કર્યો હતો. રાત્રે ૯ કલાકે પણ તેઓ પ્રથમ મંડપ એવા ભટાર સ્થિત સાંઈરામ યુવક મંડળથી મુખ્યમંત્રીની યાત્રા શરૂ થઇ હતી જો કે ભાજપના નેતાઓમાં મુખ્યમંત્રી પોતાના વિસ્તારમાં ગણેશ પંડાળમાં આવે તેવી હોડ જામી હોય જાહેર થયેલી ૧૨ ગણેશ મંડપોની યાદીમાં છેલ્લી ઘડીએ ૨ સ્થળોનો ઉમેરો કરાયો હતો. શહેરની આઠ વિધાનસભા વિસ્તાર અને તમામ ઝોનના કુલ ૧૪ સ્થળોએ દર્શન કાર્ય પૂર્ણ કરીને તેઓ મોડી રાત્રે ગાંધીનગર પરત ફરશે, એમ જણાઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ સાંઈરામ યુવક મંડળ, ભટાર ટેનામેન્ટ ખાતેથી શરૂઆત કરી તેની સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ગણેશ દર્શનયાત્રામાં જોડાયા હતા. શહેરની ૮ વિધાનસભા અને મનપાના લગભગ તમામ ઝોનમાં કુલ ૧૪ જેટલા સ્થળે ગણપતિ મંડપોમાં દર્શન કરી, શહેરના નાગરીકોની સુખાકારીની પ્રાર્થના સાથે તેઓએ ભાજપને ફરીથી વિજય અપાવવા આશીર્વાદ મેળવ્યા હતા.ભટાર ટેનામેન્ટ પાસે દર્શને પહોંચ્યા ત્યારબાદ તેઓના રૂટમાં વધુ એક ગણેશ દર્શનનું સ્થળ ઉમેરાયું હતું. ઘોડદોડ રોડ પૂનમનગર સોસાયટી ખાતેના પૂનમનગર યુવક મંડળના ગણેશજીના પણ તેઓએ દર્શન કર્યા હતા. ત્યારબાદ ભટાર ખાતે ઠાકુરજી સેવા સમિતિના ગણેશજીના દર્શન કરી તેઓ ઉધના વિધાનસભામાં પાંડેસરા રોકડિયા હનુમાન મંદિર પાસે રોકડિયા યુવક મંડળના ગણપતિ મંડપમાં દર્શન માટે પહોંચ્યા હતા.

ત્યાર બાદ નિર્ધારિત રૂટ મુજબ મુખ્યમંત્રી પાંડેસરા ખાતે જ સાંઈ બાબા સોસાયટીના, શ્રી સાંઈ યુવક મંડળ આયોજિત ગણેશ મંડપમાં દર્શન કર્યા બાદ, લીંબાયત વિધાનસભામાં નવાગામ ડીંડોલી રોડ પર સાંઈ બાબા મંદિર પાસેના અષ્ટ વિનાયક ગણેશ મિત્ર મંડળ, પરવત પાટીયા ખાતે અક્ષર ટાઉનશીપમાં ઉમિયા શક્તિ મંડળ,કરંજ વિધાનસભામાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સાથે લંબે હનુમાન રોડ પર અરીહંત પાર્કના શિવાય ગ્રુપ, કતારગામ વિધાનસભામાં ઝોન ઓફીસની બાજુમાં ગજેરા સ્કુલની ગલીમાં રોયલ વિંગ્સ ગ્રુપ, ઉત્તર વિધાનસભામાં સાર્વજનિક ગણેશોત્સવ આયોજિત મહિધરપુરા દાળિયા શેરી, પૂર્વ વિધાનસભામાં કૈલાશનગર, સગરામપુરા સ્થિત સુરત શહેર સાંઈ યુવક મંડળ, અને પશ્ચિમ વિધાનસભામાં પ્રાઈમ આર્કેડની સામેની ગલીમાં ગાર્ડન ગ્રુપ, અને બેજનવાલા કોમ્પ્લેક્ષ પાસેના વાસ્તવ ગ્રુપના દર્શન બાદ, ડુમસ સ્થિત વધુ એક આંબાવાડી યુવક મંડળ, સુલતાનાબાદ ખાતે દર્શન કરી, મુખ્યમંત્રી મોડી રાત્રે એરપોર્ટ જવા રવાના થશે.

Most Popular

To Top