SURAT

સુરતીઓને ઝડપથી મળશે ડુમસ સી ફેસ, 4 માસમાં કરાશે પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ ડેવલપમેન્ટનું આ કામ

સુરત: (Surat) સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવો ડુમસ સી ફેઇસ (Dumas Sea Phase) ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાંચ વર્ષથી કાગળ પર ચાલી રહ્યો છે. હજુ સુધી ખાસ કોઇ પ્રગતિ થઇ નથી, હવે આ પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવા માટે પ્રોજેક્ટ કન્સલટન્ટ, મેયર હેમાલી બોઘાવાલા તેમજ અન્ય પદાધિકારીઓ, મનપા કમિશનર અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી હતી અને પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું. હવે આવનારા 3 થી 4 માસમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પાર્ક માટે પ્રથમ તબક્કાની કામગીરી માટે ટેન્ડર બહાર પાડી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે.

  • ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરાશે, 3-4 માસમાં જ ટેન્ડરિંગ
  • અગાઉ 78 હેકટરમાં આ પ્રોજેક્ટ સાકાર થનાર હતો પણ હવે પ્રથમ તબક્કામાં માત્ર 40 હેકટર જગ્યાનો જ ઉપયોગ કરાશે
  • પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, મનપાના પદાધિકારી અને અધિકારીઓ સાથે મીટિંગ કરાઈ, પ્રેઝન્ટેશન પણ કરાયું

અગાઉ આ સમગ્ર પ્રોજેક્ટ 78 હેક્ટર જગ્યામાં સાકાર કરવાનું આયોજન કરાયું હતું. જેમાં મેરિટાઇમ બોર્ડ, ફોરેસ્ટ વિભાગ, જિલ્લા પંચાયત, સુરત મનપા વગેરે અલગ અલગ વિભાગોની જમીન હતી. પરંતુ હવે મનપા દ્વારા આ પ્રોજેક્ટ 40 હેક્ટર જમીનમાં સાકાર કરવાનું આયોજન કરાયું છે. જેમાં 23 હેક્ટર જમીન ફોરેસ્ટ વિભાગની છે અને 17 હેક્ટર જમીન સરકારની છે. ફોરેસ્ટ વિભાગની જમીન પર મનપા દ્વારા જ ડેવલપમેન્ટ કરવામાં આવશે અને સરકારી જમીન માટે સરકાર સાથે ઝડપથી સંકલન કરી જમીન મેળવી કામગીરી આગળ વધારાશે. હાલ પ્રથમ તબક્કામાં 50 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કામ આગળ વધારાશે અને ત્યારબાદ તબક્કાવાર કામગીરી થશે. સરકારી 17 હેક્ટર જમીનમાં 50 કરોડનો ખર્ચ થશે અને 23 હેક્ટર જમીનમાં 35 કરોડનો ખર્ચ થશે.

સી લેવલથી હાઈટ વધારી એક્ટિવિટી ઝોન ડેવલપ થશે
ડુસમ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું સમગ્ર કામ 2 તબક્કામાં થશે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં એન્ટ્રી પ્લાઝા, એક્ટીવીટી ઝોન, પાર્કિંગ ઝોન ડેવલપ થશે. જે માટે દરિયાપાળાથી 50 મીટર અને દરિયાગણેશ તરફ જવાના રસ્તે 80 મીટર સુધી પાળાની હાઈટ વધારવામાં આવશે. અને તેમાં ડેવલપમેન્ટ કરાશે. જેથી હાઈટથી દરિયાનું વિઝન ક્લીયર મળી રહેશે.

પ્રથમ ફેસમાં શું ડેવલપમેન્ટ કરાશે?
પ્રથમ ફેસમાં બે ભાગમી કામગીરી કરવામાં આવશે. જેમાં ભવ્ય એન્ટ્રી પ્લાઝા, પાર્કિંગ ઝોન, કિડ્ઝ એક્ટિવિટી એરિયા, એડવેન્ચર પ્લે એરિયા, વોલીબોલ કોર્ટ, સાયકલ ટ્રેક, મરીન લાઈફને લગતા સ્કલપ્ચર, પ્લાન્ટેશન વગેરે થીમ તૈયાર કરાશે.

Most Popular

To Top