SURAT

સુરત: દરિયામાં 20 ફુટ ઉંચા મોજા ઉછળ્યા અને 75 કિમીની ઝડપે પવન ફુંકાયો

સુરત: (Surat) છેલ્લા એક અઠવાડિયાથી દરિયાની વચ્ચે તાંડવ મચાવી રહેલુ બિપોરજોય વાવાઝોડું (Cyclone) દક્ષિણ ગુજરાતના દરિયાથી પસાર થઈ જતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આજે શહેરમાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી હતી. દરિયામાં કરંટને કારણે 20 ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે 75 કિલોમીટરની ઝડપે પવન (Wind) ફુંકાયો હતો.

સુરત જિલ્લામાં ગયા અઠવાડિયાથી બિપોરજોય વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને જિલ્લાના કાંઠા વિસ્તારમાં 42 જેટલા ગામોને એલર્ટ કરાયા હતા. વહીવટી તંત્ર દ્વારા સતત વાવાઝોડાની દિશા અને તીવ્રતા ઉપર નજર રાખવામાં આવી હતી. છેલ્લે સુધી વાવાઝોડાની મુવમેન્ટને લઈને કન્ફુયઝન હતુ્ં. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં તેની અસર ઓછી થવાની આગાહી પણ કરવામાં આવી હતી. જોકે આશરે 30 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી હતી. અને શહેરમાં છેલ્લા ચારેક દિવસથી 55 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.

સવારથી શહેરમાં પવને તોફાન મચાવ્યું હતું. શહેરમાં આજે રેકોર્ડ બ્રેક 75 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. સુસવાટા મારતા કાતિલ પવનોની સામે વાહન ચાલકો લાચાર બન્યા હતા. લોકોને રહી રહીને વાહન ઉભા રાખવાની ફરજ પડી હતી. ધૂળની ડમરીઓએ જાણે લોકો ઘરે જઈને કપડા ખંખેરે એટલે ધુળ જ દેખાતી હતી. વાવાઝોડું સુરતના દરિયા કિનારાથી પસાર થઈ ગયા બાદ દરિયામાં તેનો કરંટ જોવા મળ્યો હતો. સુરતમાં દરિયો ગાંડોતૂર બનતા 20 ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે વાદળછાયું વાતાવરણ સર્જવાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો.

વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ બે દિવસ સુધી રહેશેઃ ડુમસ, સુંવાલી અને ડભારી બીચ બંધ રહેશે
સુરત જિલ્લા ઇનચાર્જ કલેક્ટર બી. કે. વસાવાએ જણાવ્યું હતું કે, શહેરમાં વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. જોકે વાવાઝોડાની વ્યાપક અસર બે દિવસ સુધી રહેશે. જિલ્લા અને શહેરમાં વરસાદની સંભાવના છે. સાથે જ આશરે 30 થી 40 કિમીની ઝડપે પવનો ફુંકાશે. જ્યાં સુધી વાવાઝોડાની અસર ઓછી ના થયા ત્યાં સુધી ડુમસ, સુંવાલી અને ડભારી ત્રણેય બીચ સ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી બંધ રહેશે.

શહેરમાં સરેરાશ 24 કિમીની ઝડપે પવન ફુંકાયો
વાવાઝોડાની સૌથી વધારે અસર દરિયા કિનારાના શહેર પર જોવા મળી છે. સુરતના દરિયા કિનારે આજે 70 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જ્યારે શહેરમાં પણ સુસવાટા મારતા પવનોએ તોફાન મચાવ્યું હતું. શહેરમાં સરેરાશ આજે 24 કિમીની ઝડપે દક્ષિણ પશ્ચિમનો પવન ફુંકાયો હતો. મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને 33.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી નોંધાયું હતું.

Most Popular

To Top