SURAT

ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ હિન્દુ રાષ્ટ્રની સ્થપાના કરીશું: ધીરેન્દ્ર શાસ્ત્રી

સુરત: (Surat) હું ગુજરાતમાં સૌ પ્રથમ વખત આવ્યો છું. ગુજરાતમાં (Gujarat) સુરત પ્રાચીન કાળમાં સૂર્યનગરી તરીકે જાણીતું હતું. તેવી સુરતની ધરાને હું પ્રણામ કરૂં છું તેમ સુરતમાં દિવ્ય દરબાર યોજનાર બાબા બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) જણાવ્યું હતું. સુરતમાં લિંબાયતમાં નીલગીરી ખાતે આયોજીત દિવ્ય દરબારમાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પગ મૂક્યો ત્યારે આખું મેદાન ‘જય શ્રી રામ’ના નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી ગુજરાતના ‘પાગલો’થી સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, હું અહીં તમારી પાસે ધન લેવા નથી આવ્યો, કોઈ માન સન્માન લેવા પણ નથી આવ્યો, હું તો અહીં મારા ગજવામાંથી તમને હનુમાનજી આપવા આવ્યો છું.

પોતાના પ્રવચનમાં બાબાએ કહ્યું હતું કે, ભારતમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરીશું. એટલું જ નહીં પાકિસ્તાનમાં પણ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરીશું. અને જ્યાં સુધી ગુજરાત હનુમાનમય નહીં થાય ત્યાં સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડીશ. ન તો હું કોઈ સંત છું, ન તો કોઈ મહાત્મા. હું બાલાજીનો છું અને બાલાજી મારા છે. ભક્તની શ્રદ્ધા હોવી જોઈએ તો ભગવાન કોઈને કોઈ રૂપમાં આવે જ છે. ફરી એકવાર તેમણે કહ્યું હતું કે, ગુજરાતના પાગલો એક વાત યાદ રાખો. કોઈને ભગવાનમાં પથ્થર દેખાય છે, તો કોઈએ તો કોઈને પથ્થરમાં ભગવાન દેખાય છે. જેવી દૃષ્ટિ તેવી જ સૃષ્ટિ હોય છે. તમારી દૃષ્ટિ બદલો તો સૃષ્ટિ આપોઆપ જ બદલાઈ જશે. ગુજરાતની ભૂમિ અદભૂત છે.

અહીં બાપા સીયારામ છે, મોરારિબાપુ જેવા સંત છે. મારી ઉપર શ્રદ્ધા ન રાખો. શ્રદ્ધા હનુમાનજીમાં રાખો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું કોઈ રાજકીય પાર્ટીનો નથી અને મને કોઈ પક્ષ સાથે જોડતા પણ નહીં, મારી પોતાની પાર્ટી છે, તે બજરંગબલીની પાર્ટી છે. ત્યારબાદ તેમણે પહેલા દિવસની પ્રશ્નોત્તરીની શરૂઆત કરી હતી. પહેલા દિવસે દિવ્ય દરબારમાં મર્યાદિત લોકોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. જો કે, બીજા દિવસે શનિવારે તેઓ વિસ્તૃત રીતે ભક્તોના વધુમાં વધુ પ્રશ્નો અને તેમનાં સમાધાનો આપવાની પણ ઘોષણા કરી હતી. નીલગીરી ગ્રાઉન્ડ ઉપર ભક્તોની જન મેદની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સંદીપ દેસાઈ, સ્લમ કમિટી ચેરમેન દિનેશ રાજપુરોહિત, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત સહિતના બીજા અનેક નેતાઓ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.

હું કોઈ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે: ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. આ વિસ્તારના આદિવાસીઓ વચ્ચે જઈ કથાનું આયોજન કરીશ અને તેમની ઘરવાપસી કરાવીશ. હું કોઈપણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હવે હું કેટલાક દિવસો ગુજરાતમાં વિતાવીશ. સુરત અને તાપી જિલ્લામાં થતા ધર્મના મુદ્દાને લઈને તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ. હું જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં કથા કરી રહ્યો છું, આથી ષડયંત્રો થઈ રહ્યાં છે. સનાતન વિરોધી તાકતો પણ લાગે છે, એટલા માટે સિક્યોરિટી આપવામાં આવી રહી છે. સરકારને આઈબીનો રિપોર્ટ મળતો હશે તેના આધારે સિક્યોરિટી આપવામાં આવી રહી છે.

ભાજપના કોર્પોરેટર બંસુ યાદવના મોબાઇલમાંથી ‘બાબા બાગેશ્વર’નો મોર્ફ કરેલો વિડીયો વાયરલ
સુરત : એકથી વધુ વખત વિવાદમાં આવેલા ઉધના વિસ્તારના ભાજપના કોર્પોરેટર બંસુ યાદવના મોબાઇલમાંથી બાબા બાગેશ્વર ઉર્ફે ઘીરેન્દ્ર શાસ્ત્રીનો મોર્ફ થયેલો એક વિવાદી વિડીયો વાયરલ થતાં ફરી વિવાદમાં આવ્યા છે. એક બાજુ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નજીકના નેતાઓએ બાબા બાગેશ્વરના કાર્યક્રમને સફળ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે બીજી બાજુ ભાજપના જ કોર્પોરેટરના મોબાઇલમાંથી વિવાદી વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ વિડીયોમાં બાબા ‘અસલી તાકત ધર્મ મે નહીં, સત્તા મે હોતી હૈ, સત્તા હૈ તો સબ કુછ હૈ. ઇસી લીયે યોગીજીભી ધર્મ-કર્મ છોડ કે ઉત્તર પ્રદેશ કે મુખ્યમંત્રી બને બેઠે હૈ. અગર ધર્મ મે તાકાત હોતી તો વો ગોરખનાથ મઠ પે પૂજા કરતે હોતે. આજ સબ સાધુ-સંત પૂજાપાઠ છોડ કે સંસદ મે ઘૂસ રહે હૈ.’ જો કે, બંસુ યાદવે આવો કોઈ વિડીયો વાયરલ કર્યો નહીં હોવાનું જણાવ્યું હતું તેમજ તેમના જ મોબાઈલ નંબર પરથી ગ્રુપમાં શેર થયેલા વિડીયો વિશે તેમને જ ખબર નથી તેવું કહી રહ્યા છે.

Most Popular

To Top