Editorial

સરકાર સમજી લે, ચલણી નોટ બંધ કરવાની કાળા નાણાંનો સંગ્રહ ક્યારેય અટકશે નહીં

એક તરફ દેશ વધુને વધુ પ્રગતિ કરી રહ્યો છે તો બીજી તરફ ભારતમાં આરબીઆઈએ 2000ની ચલણી નોટ પરત ખેંચવાની જાહેરાત કરી દીધી છે. આમ તો 2000ની નોટ ચલણમાં ઓછી કરવા માટે આરબીઆઈ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસો કરવામાં આવી જ રહ્યા છે. જ્યારે 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી ત્યારે 6 લાખ કરોડથી વધુની ચલણી નોટ બજારમાં હતી. ધીરેધીરે તે ઘટીને 3 લાખ કરોડની આસપાસ પહોંચી ગઈ હતી. જોકે, આ નોટ પણ મોટાભાગે સંગ્રહ કરવા માટે જ ઉપયોગ કરવામાં આવતી હતી. ચલણમાં 2000ની વધુ નોટ દેખાતી નહોતી. એવી ભીતિ હતી જ કે ગમે ત્યારે કેન્દ્ર સરકાર 2000ની નોટ બંધ કરી જ દેશે.

આખરે 2000ની નોટ બંધ કરવાની દિશામાં કેન્દ્ર સરકાર પગલા ભરી રહી છે અને ધીરેધીરે દેશભરમાં હજારો કરોડો રૂપિયાની 2000ની ચલણી નોટથી બેંકો છલકાવા માંડી છે. એકલા સુરતની જ વાત કરવામાં આવે તો છેલ્લા 6 દિવસમાં બેંકોમાં જમા થયેલી અથવા તો બદલાયેલી 2000ની નોટની રકમ 1000 કરોડની આસપાસ પહોંચી જવા પામી છે. 2000ની ચલણી નોટ બજારમાં બંધ કરવા માટે કેન્દ્ર સરકાર ભલે ગમે તેટલા કારણો આપે પરંતુ આ નોટ પરત ખેંચવાનું સરકારનું પગલું વ્યવહારિક નથી.

આની પાછળના કારણો એ છે કે, જેમ જેમ દેશમાં પ્રગતિ થઈ રહી છે, મોંઘવારી વધી રહી છે, ફુગાવો વધી રહ્યો છે, દરેક વસ્તુના ભાવો વધી રહ્યા છે તે જોતાં નાના ચલણો આપોઆપ બજારમાંથી અદ્રશ્ય થઈ રહ્યા છે. એક, બે અને પાંચ રૂપિયાની નોટ બજારમાં દેખાતી જ નથી. તેને બદલે સિક્કાઓ ચાલે છે પરંતુ તેમાં પણ ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે. ચલણી નોટમાં ઓછામાં ઓછી 10 રૂપિયાની નોટ ચલણમાં દેખાય છે. આ બતાવી રહ્યું છે કે, દેશમાં 10 રૂપિયાથી ઓછી કિંમતની ચલણી નોટની એવી કોઈ વેલ્યુ જ નથી. આ બતાવી રહ્યું છે કે, દેશમાં હાલમાં અને ભવિષ્યમાં મોટી રકમની ચલણી નોટની જરૂર પડવાની જ છે.

અન્ય દેશો કે જેની અર્થવ્યવસ્થા ભારત જેટલી કે તેનાથી મોટી છે તે દેશોમાં પણ મોટી રકમની ચલણી નોટ બજારમાં છે જ. બની શકે કે કે આ ચલણી નોટ ઓછી સંખ્યામાં હોય પરંતુ જ્યાં મોટી રકમની હેરફેર કરવાની હોય ત્યાં મોટી રકમની ચલણી નોટની જરૂરીયાત ઊભી થાય તે સ્વાભાવિક છે. જો નાની રકમની ચલણી નોટ હોય તો તેને લાવવી-લઈ જવી અઘરી બને છે. તેની હેરફેર પણ અઘરી બને છે. જો મોટી રકમની ચલણી નોટને કાળા નાણાં તરીકે જ જોવાની હોય તો કાળું નાણું પકડવા માટેના રસ્તા અન્ય હોઈ શકે છે પરંતુ તેના માટે ચલણી નોટ જ બંધ કરી દેવી તે કોઈપણ રીતે યોગ્ય નથી.

સરકારે ખરેખર ચલણમાં 500,1000, 2000, 5000 અને 10000 સુધીની ચલણી નોટ મુકવી જોઈએ. અને વાત છે કાળા નાણાંની તો સરકાર સમયાંતરે આ નોટબદલી લાવીને આ નોટના સંગ્રહને નાથી શકે છે. જો ચોક્કસ સમયમર્યાદામાં આ નોટ બદલાઈ જ જશે તેવી સરકાર દ્વારા પહેલેથી જ જાહેરાત કરી દેવામાં આવે તો કોઈપણ વ્યક્તિ કાળા નાણાં સ્વરૂપે આ નોટનો સંગ્રહ કરે જ નહી. જેને કારણે જેને આ નોટ થકી નાણાંની હેરફેર કરવી છે તે કરી શકે અને કાળું નાણું રાખનારા લોકો પણ તેનો સંગ્રહ કરતાં અટકશે.

હાલમાં પણ 2000ની નોટનું ચલણ અટકી ગયું છે અને બેંકોમાં આ નોટ જમા થઈ રહી હોવાથી અને બદલતી વખતે પણ 500ની નોટ લેવામાં આવી રહી હોવાથી ધીરેધીરે 500ની નોટ ચલણમાંથી અદ્રશ્ય થઈ રહી છે. લોકો રોકડમાં નાણાં આપતી વખતે ચલણી નોટનું નવું સંકટ અનુભવી રહ્યા છે. કાળા નાણાંનો સંગ્રહ ક્યારેય અટકવાનો નથી. આ માટે નોટ બંધ કરવાને બદલે ચોક્કસ સમયગાળામાં નોટની બદલી કરવી જ હિતાવહ છે. જો આમ થશે તો જ લોકોનો ચલણી નોટો પરનો વિશ્વાસ ટકશે તે નક્કી છે.

Most Popular

To Top