SURAT

વરાછામાં શાકભાજી માર્કેટમાં બેસવા બાબતે બે યુવકો વચ્ચે મારામારીમાં એકની હત્યા

સુરત : વરાછામાં (Varacha) શાકભાજી માર્કેટ (Vegitable Market) પાસે બેસવા બાબતે બે યુવકો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક યુવકને માથાના ભાગે પ્લાસ્ટિકના પાઇપ અને પથ્થર મારવામાં આવતા તેનું મોત (Death) નીપજ્યું હતું, બનાવ અંગે પોલીસે (Police) હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પૂણાગામ આનંદનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા નંદકિશોર કાલીચરણ શર્માનો પુત્ર રાજેન્દ્ર પૂણાની ખાડી મહોલ્લામાં જ આવેલી શાકભાજી માર્કેટમાં રહેતો હતો. દરમિયાન અહીં બુધવારે મધરાત્રીના ત્રણ વાગ્યે ખાડી મહોલ્લામાં રહેતો ગણેશ પ્રકાશભાઇ રાઠોડ શાકભાજી માર્કેટમાં બેસવા માટે આવ્યો હતો. રાજેન્દ્રએ તેને માર્કેટમાં આવવાની ના પાડી હતી ત્યારે રાજેન્દ્ર અને ગણેશની વચ્ચે માથાકૂટ થઇ હતી. જેથી ગણેશે રાજેન્દ્રને માથાના ભાગે પ્લાસ્ટિકનો પાઇપ તેમજ મોટો પથ્થર મારીને હત્યા કરી નાંખી હતી. બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગણેશ રાઠોડની સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

ડીશ ટીવીના રીચાર્જ મુદ્દે પિતા પુત્ર વચ્ચેના ઝઘડામાં પુત્રનું મોત
સુરત : પાંડેસરા વિસ્તારમાં રીચાર્જના રૂપિયા મુદ્દે થયેલી તકરારમાં પિતાએ ધક્કો મારી દેતા જમીન ઉપર પટકાયેલા પુત્રને માથાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે અકસ્માત મોત નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકનું નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાંડેસરા નાગસેન નગર ખાતે એક એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા અને ટેલરિંગ કામ કરતા રમેશ બા‌વીસ્કર મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ચોપડા તાલુકાના લોનબરોજ ગામના વતની છે. રમેશ બાવીસ્કરના પુત્ર રિતેશ (ઉ.વ.18)ને ગઈકાલે રાત્રિએ બેભાન હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતક રિતેશના મામા ભરતભાઇના જણાવ્યા અનુસાર રિતેશ પણ ટેલરિંગનું કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગત મોડીરાત્રે રીતેશ પાસેથી તેના પિતાએ ડીશ ટીવીના રિચાર્જના પૈસા માંગ્યા હતા.

રિતેશે પગાર થયો નહીં હોય પગાર થાય એટલે પૈસા આપવાનું કહ્યું હતું. જે બાબતે બંને પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. દરમિયાન દાદર ઉતરતા સમયે પિતાએ પુત્રને ગુસ્સામાં આવી ધક્કો મારી દીધો હતો. રિતેશ જમીન ઉપર પટકાતા તેને માથામાં ઇજા થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ મામલે તપાસ કરતા પાંડેસરા પો.મથકના પીએસઆઇ મનોરમા મોર્યાએ જણાવ્યું હતું કે, રીતેશ ધોરણ-10ની પરીક્ષા આપવાનો હતો. પિતાએ ધક્કો મારતા જમીન ઉપર પટકાવાને કારણે રિતેશનું મોત થયાનું પ્રાથમિક કારણ છે. જોકે શરીરે અન્ય કોઇ ઇજાના નિશાન નહીં હોય રીતેશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top