SURAT

સુરત: 14માં માળની ટેરેસ પરથી ત્યકતાએ ઝંપલાવીને મોત વ્હાલુ કર્યુ

સુરત : ગોડાદરા દેવધગામ ખાતે રહેતી 36 વર્ષિય ત્યક્તાએ મોરાભાગળ-ઉગત રોડ આવેલા વીર સાવરકર આવાસનાં 14માં માળના ટેરેસ ઉપરથી ડિપ્રેશન (Depression) અને એકલવાયા જીવનથી કંટાળી જઇ પડતું મુક્યું હતું. ત્યક્તા ચાર પાંચ દિવસ પહેલા જ દેવધગામથી આવાસમાં બહેનના ઘરે રહેવા ગઇ હતી અને આ પગલું ભરી લીધું હતું.

રાંદેર પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર દેવધગામ પોલીસ ચોકીની સામે આકાર રેસીડેન્સીમાં રહેતી પ્રજ્ઞા બળવંતભાઇ પંડ્યા (ઉ.વ.36)ના 5-6 વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતા. હાલ તેણી પિતાના ઘરે દેવધગામ ખાતે રહેતી હતી. તેણીને છેલ્લા 8 વર્ષથી ડિપ્રેશનની બિમારી પણ હતી. જેની દવા પણ ચાલી રહી હતી. ચાર-પાંચ દિવસ પહેલા પ્રજ્ઞાબેન પંડ્યા મોરાભાગળ-ઉગત રોડ ઉપર આવેલા વીર સાવરકર હાઇટ્સમાં રહેતી બહેન મિનાક્ષી કિશોરભાઇ ભટ્ટને ત્યાં રહેવા માટે ગઇ હતી. જ્યાં ગતરાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ પ્રજ્ઞા પંડ્યાએ ટેરેસ ઉપર પહોંચી ત્યાંથી ઝંપલાવ્યું હતું. ગંભીર ઇજાને પગલે તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે તપાસ કરતા રાંદેર પો.મથકના પીએસઆઇ અશ્વિન કુવાડીયાએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞા પંડ્યા ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.

સુગરની બિમારીથી કંટાળી મહિલાનો ટ્રેન આગળ પડતું મુકી આપઘાત
સુરત : પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સુગરની બિમારીને કારણે ત્રણ દિવસ પહેલા ટ્રેન નીચે પડતું મુકી દીધું હતું. બંને પગમાં થયેલી ગંભીર ઇજાને પગલે તેણીનું આજરોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ સુ્ત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પાંડેસરા અંબિકાનગરમાં રહેતાં વિશ્વાસ પાટીલ ડાઇંગ મીલમાં સુપરવાઇઝરનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. વિશ્વાસ પાટીલ ગઇ 25મીના રોજ સવારે નોકરીએ નીકળી ગયા હતા. દરમિયાન તેની પત્ની ગીતાબેન (ઉ.વ.45) ઘરેથી ચાલી નીકળ્યા હતા અને ઉધના રેલવે સ્ટેશન પહોંચી ટ્રેન આગળ પડતુ મુકી દીધું હતું. ગીતાબેનને બંને પગમાં ઇજા થઇ હતી. મૃતકના સંબંધી રાહુલ પાટીલે જણાવ્યું હતું કે મૃતક ગીતાબેનને છેલ્લા ઘણા સમયથી સુગરની બિમારી હતી અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. પરંતુ કોઈ રાહત નહીં થતા તેમણે કંટાળી જઇ આ પગલું ભરી લીધું હતું.

Most Popular

To Top