SURAT

માત્ર 7 જ વર્ષમાં ખખડી જનારા મનપા નિર્મિત ભેસ્તાન આવાસના ભ્રષ્ટાચાર અને માસૂમના મોત માટે કોણ જવાબદાર?

સુરત: (Surat) રવિવારે મોડી રાત્રે શહેરના ભેસ્તાન વિસ્તારમાં જીઆવ રોડ પર મનપા (Municipal Corporation) દ્વારા નિર્મિત આવાસમાં નિદ્રાધીન ખાંડે પરિવાર પર સીલિંગના પોપડા તૂટી પડવાથી માસૂમ બાળકીનું મોત થયું છે. તેમજ તેનાં માતા-પિતાને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જો કે, આ દુર્ઘટના પાછળ સુરત મનપાના ઇજારદારો દ્વારા આચરાતાં ભ્રષ્ટાચાર (Corruption) કારણભૂત હોવાની પ્રતીતિ થઇ રહી છે. કેમ કે, જે આવાસોમાં આ દુર્ઘટના બની અને માસૂમ બાળકીનો જીવ ગયો તે આવાસો બન્યા ત્યારથી જ તેના નબળા બાંધકામ બાબતે વિવાદમાં રહ્યા છે. વારંવાર ફરિયાદો છતાં કોઇ કાર્યવાહી નહીં થતાં આ દુર્ઘટના બની છે.

  • વર્ષ-2013માં બનેલાં આ આવાસ 2014માં ફાળવાયાં ત્યારે જ નબળા બાંધકામની ફરિયાદ થઈ હતી, વર્ષ-2017માં આવાસો બિસમાર થઈ જતાં ભારે વિવાદ થયો હતો.
  • શાસકોએ સ્થળ વિઝિટ પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતાં દુર્ઘટના ઘટી
  • રિપેરિંગ માટે કોઈ એજન્સી ટેન્ડર ભરવા પણ તૈયાર નથી

વિસ્તૃત વિગતો મુજબ સુરત મનપા દ્વારા વર્ષ-2013માં આ આવાસો બનાવાયાં હતાં. જેમાં 480 ફ્લેટ હતા. વર્ષ-2014માં તેની લાભાર્થીઓને ફાળવણી થઇ હતી. પરંતુ ત્યારે જ નબળું બાંધકામ હોવાની ફરિયાદ સ્થાનિક નગરસેવકોએ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. વર્ષ-2019માં એટલે કે આવાસ બન્યાનાં માત્ર છ સાત વર્ષમાં જ આ આવાસોમાં સ્લેબ તૂટવા અને પોપડા પડવા સહિતના બનાવો બનવા માંગતા ઇજારદાર એ.જે.ભંડેરીએ આ આવાસોમાં લોટ, પાણી ને લાકડાં જેવો ઘાટ કરીને નબળું કામ કર્યું હોવાની ફરિયાદ જે-તે સમયે મનપાની સામાન્ય સભામાં પણ થઇ હતી તેમજ આવી જ રીતે પોપડા ત્યારે પણ પડ્યા એટલે રહીશોએ આવાસોની બહાર તંબુ નાંખીને રહેવાનું શરૂ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તત્કાલીન મેયર ડો.જગદીશ પટેલ અને ડેપ્યુટી મેયર નીરવ શાહે સ્થળ મુલાકાત કરી તાકીદે રિપેરિંગ માટે ખાતરી આપી હતી. જો કે, ઇજારદાર સામે કોઇ કાર્યવાહી થઇ ન હતી. અને રિપેરિંગ માટે ટેન્ડરો પણ બહાર પડાયાં હતાં. પરંતુ આવાસો એવી હાલતમાં હતાં કે એકપણ એજન્સીએ ટેન્ડર ભર્યું નહોતું. હાલમાં ફરીથી તેનાં ટેન્ડર બહાર પડાયાં છે. પરંતુ એકપણ એજન્સી હજુ સુધી આવી નથી. ત્યારે આ દુર્ઘટના મનપામાં ચાલતા ભ્રષ્ટાચારની પ્રતીતિ કરાવી જાય છે.

Most Popular

To Top