SURAT

સુરત કોંગ્રેસે હથિયાર નાંખ્યા: શહેર પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામુ, ભૂપેન્દ્ર સોલંકી, પપન તોગડિયા હાર્યા

આમ આદમી પાર્ટી (Aam Admi Party) સુરત શહેરમાં ટેકઓવર કરી જતાં કોંગ્રેસે હથિયાર નાંખી દીધા છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુ રાયકાએ પક્ષની કારમી હારને ભાળી બપોરે જ રાજીનામુ ધરી દીધું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી તેઓએ રાજીનામું (Resign) આપ્યા અંગેની જાણ કરી હતી. આ અંગે કારણ દર્શાવતા તેમણે લખ્યું હતું કે મેં શક્ય તેટલી વફાદારી નોંધાવી છે. પરંતુ તાજેતરમાં લેવાયેલા સુરત મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી-2021માં કોંગ્રેસ પક્ષને જનતાએ આપેલ જનાદેશને ધ્યાને લઈ મનપાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી હું સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ પરથી રાજનામું આપું છું.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે ચોંકાવનારા સાબિત થયા છે. જેમાં બીજેપીને મળેલી લીડ સાથે જ આપના ઉમેદવારોને પણ કેટલાક વોર્ડમાં પેનલની જીત નિશ્ચિત થતા હાલ કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. અને સુરત કોંગ્રેસ હવે કોઈને પણ મોઢું બતાવવા સમાન ના હોય તે રીતે સુરત પ્રદેશ પ્રમુખ દ્વારા નિરાશા દર્શાવતા રાજીનામુ પણ ધરી દેવામાં આવ્યું છે. અને આના પરથી સાફ દેખાય છે કે પરિણામ આવવા પહેલા જ કોંગ્રેસે હાર માની લીધી છે.

બીજી તરફ છેલ્લા 7 ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટર તરીકે સુરત મહાનગર પાલિકા વિપક્ષમાં સક્રીય ભૂમિકા ભજવી રહેલા ભૂપેન્દ્ર સોલંકી ને હરાવવા માં આખરે બીજેપી ને સફળતા મળી છે. વોર્ડ નં-12 નાણાવટ વિસ્તારમાં પહેલાથી જ ભૂપેન્દ્ર સોલંકીને ટિકીટ આપવાનો સ્થાનિકોનો વિરોધ હતો. જેનો લાભ લઈ ભાજપે સોલંકીને હાર તરફ ધકેલી દીધા હતા. આ તરફ વોર્ડ નં-5 ફૂલપાડા અશ્વનીકુમારના ઉમેદવાર તેમજ સુરત મહાનગર પાલિકામાં પૂર્વ વિપક્ષ નેતા પપન તોગડિયાની પણ હાર થઈ છે.

સુરત કોંગ્રેસ પર ઝાડૂ ફરી

સુરત (Surat) મહાનગર પાલિકાની કુલ 120 બેઠકોમાં અત્યાર સુધીમાં જે પરિણામ જોવા મળી રહ્યાં છે તે જોતા સ્પષ્ટ છે કે આ વખતે સુરત મહાનગર પાલિકાની બોર્ડની બેઠકમાં મુખ્ય વિપક્ષની ભૂમિકા આમ આદમી પાર્ટી ભજવશે. જ્યારે કોંગ્રેસ બીજી વિપક્ષી પાટી બની રહેશે. જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ તરફની નારાજગીનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થઈ રહ્યો હોય તેવું લાગે છે. પરિણામોને જોતા લોકોમાં ચર્ચા છે કે સુરત કોંગ્રેસ પર આપની ઝાડૂ ફરી ગઈ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top