SURAT

સુરતના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની કમિશનર દ્વારા તાળિયાઝાટક બદલીના આદેશ

સુરત: (Surat) સેન્ટ્રલ ઝોન (Central Zone) વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે બાંધકામ (Construction) અને દબાણની સમસ્યા છે અને આ અંગે વારંવાર સ્થાનિક કોર્પોરેટરો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું અને તે અંગે સ્થાનિક કોર્પોરેટરોએ ભાજપ (BJP) કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં સેન્ટ્રલ ઝોનના અધિકારીઓના નામ જોગ ફરીયાદ કરી રોષ વ્યક્ત કર્યો હતો અને તેના પગલે મનપા કમિશનરે સેન્ટ્રલ ઝોનના આ તમામ અધિકારીઓની અન્ય ઝોનમાં બદલી કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ તરીકે ગાયત્રી જરીવાલા પાસેથી ઝોનનો હવાલો લઈ લેવામા આવ્યો છે અને સેન્ટ્રલ ઝોનનો સમગ્ર ચાર્જ જતીન દેસાઈને સોંપવામાં આવ્યો છે અને ગાયત્રી જરીવાલા હાલ ઝોનમાં આસી. કમિશનર તરીકે ફરજ બજાવશે. તેમજ જતીન દેસાઈને સેન્ટ્રલ ઝોનના ગાંધી સ્મૃતિ અને રંગઉપવનનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. સાથે જ સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતા 3 ડે.ઈજનરે તેમજ 4 આસી. ઈજનેર અને એક સેકન્ડ ગ્રેડ ક્લાર્કની અન્ય ઝોનમાં બદલી કરી દેવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામ બાબતે અધિકારીઓ બારોબાર વહીવટ પાર પાડતા હતા તેની ઢગલેબંધ ફરીયાદો ઉઠી હતી. સ્થાનિક કોર્પોરેટરોએ તેમજ સ્થાનિક ધારાસભ્યો દ્વારા પણ ભાજપ સંગઠનના હોદ્દેદ્દારો સમક્ષ અધિકારીઓ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. જેના પગલે પદાધિકારીઓએ પણ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની લીસ્ટ બનાવી મનપા કમિશનરને આપી હતી. જેને પગલે મનપા કમિશનર દ્વારા શનિવારે મોડી સાંજે સેન્ટ્રલ ઝોનલ ચીફ સહિતના 8 અધિકારીઓની તાળિયાઝાટક બદલીના ઓર્ડર કર્યા હતા. સેન્ટ્રલ ઝોનના ઝોનલચીફ ગાયત્રી જરીવાલા પાસેથી પણ સેન્ટ્રલ ઝોનનો હવાલો લઈ જતીન દેસાઈને સોંપી દેવાયો હતો.

રાંદેર ઝોનમાં જતીન દેસાઈની જગ્યાએ ધર્મેશ મીસ્ત્રીને ચાર્જ સોંપાયો, કામિની દોશીને લિંબાયત ઝોનનો ચાર્જ
જતીન દેસાઈને સેન્ટ્રલ ઝોનનો ચાર્જ સોંપાતા રાંદેર ઝોનમાં ખાલી પડેલી ઝોનલ ચીફની જગ્યા પર ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીની નિમણુંક કરવામાં આવી છે. રાંદેર ઝોનની સાથે સાથે સંજીવકુમાર ઓડિટોરીયમ, પર્ફોમીંગ આર્ટ સેન્ટર અને એક્વેરીયમનો ચાર્જ ધર્મેશ મિસ્ત્રીને સોંપવામાં આવ્યો છે. લિંબાયત ઝોનલ ચીફ તરીકેનો ચાર્જ કામિની દોશીને આપવામાં આવ્યો છે તેમજ કામિની દોશીને લિંબાયત ઝોનની સાથે સાથે પે એન્ડ પાર્ક અને પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચાર્જ પણ કામિની દોશીને સોંપવામાં આવ્યો છે. તેમજ કમલેશન નાયકને શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ, લો ડિપાર્ટમેન્ટ સ્વાતિ દેસાઈને, તેમજ ભૈરવ દેસાઈને ડ્રેનેજ વિભાગની ખાલી પડેલી જગ્યાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top