SURAT

સુરતથી સેવણી જમવા જતાં પાંચ સંબંધીની કાર સેગવા નહેરમાં ખાબકી

કામરેજ: સુરતથી (Surat) કાર (Car) લઈને પાંચ સંબંધીઓ સેવણી જમવા માટે જતા સેગવા ગામ પાસે કાકરાપાર જમણા કાંઠા નહેરના નાળા પાસે સામેથી આવતા અજાણ્યા વાહનની લાઈટથી (Light) કારચાલક અંજાઈ જતાં કાર પરથી કાબૂ ગુમાવતાં કાર નાળાની દીવાલ સાથે અથડાઈને નહેરના પાણીમાં ખાબકી જતાં પાંચ પૈકી બે યુવાનનાં મોત (Death) થયાં હતાં. જ્યારે બે યુવાનનો બચાવ થયો હતો. એક યુવાનના મૃતદેહની ફાયર વિભાગની ટીમ શોધખોળ કરી રહી છે.

મૂળ માલસીકા, તા.ધારી, જિ.અમરેલીના વતની અને હાલ પરવટ પાટિયાના સિલિકોન પેલેસમાં ફ્લેટ નં.ડી-502માં નીરજ ઘનશ્યામ બાંમણીયા (ઉં.વ.24) રહે છે. જેઓ કારના શો રૂમમાં નોકરી કરે છે. રવિવારે ફોઈના પુત્ર મયૂર બાબુ વાણીયાની સાથે પરવટ પાટિયા પાસે આઈ.એફ.એમ. બિલ્ડિંગમાં આવેલી ઓફિસે મામાના દીકરા રાજદીપ ભીખુ કાતરિયા (ઉં.વ.25) ની સાથે ગેરેજ શરૂ કરવાનું હોવાથી મળવા માટે ગયા હતા. ઓફિસમાં કુટુંબી કાકા વિશાલ પરેશ બાંમણીયા (ઉ.વર્ષ 24), કુટુંબી ફોઈના પુત્ર નિર્મલ હરેશ કાતરિયા (ઉં.વ.25), અનિલ જાદવ વાઘમશી (ઉં.વ.24) તેમજ નીરજ ઘનશ્યામ બામણીયા (ઉં.વ.24) પણ આવ્યા હતા.

બધા ભેગા થતાં વિશાલે રવિવાર હોવાથી કામરેજના સેવણી ગામે કાજુ-લસણનું શાક જમવા જઈએ તેમ કહેતાં તમામે હા પાડી હતી. પરંતુ ઓફિસમાં બેસેલા મયૂરને કામ હોવાથી એ ઓફિસથી જતો રહ્યો હતો. પાંચેય સંબંધીઓ નિર્મલના કાકાની સ્કોડા કુશક કાર નં.(જીજે 05 આરએન 6882)માં બેસી સેવણી જવા માટે નીકળ્યા હતા. જે કાર નિર્મલ ચલાવતો હતો. કોસમાડી પાટિયાથી સેવણી જતાં રોડ પર રાત્રિના 9.30 કલાકે સેગવા ગામની હદમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેર પર બનાવેલા નાળા પાસે સામેથી આવતા અજાણ્યા વાહનચાલકની લાઈટ નિર્મલની આંખો પર પડતાં પોતાની કારનો કાબૂ ગુમાવી દેતાં કાર નાળાની દીવાલ સાથે અથડાયા બાદ નહેરમાં ખાબકી હતી.

કારમાં તુરંત જ પાણી ભરાઈ જતાં પાછળની સીટ પર વચ્ચે બેસેલો નીરજ તેમજ ક્લીનરની પાછળની સીટ પર બેસેલો રાજદીપ કારમાંથી હેમખેમ બહાર નીકળી આવ્યા હતા. રોડ પર બૂમો પાડતાં ટ્રકના ચાલકે ટ્રકમાંથી સાંકળ કાઢી કારને બાંધી નહેરના કાંઠા પર લવાઈ હતી, જેમાં કારમાં વિશાલ બાંમણીયા સીટ પર બેભાન હતો. જ્યારે ચાલક નિર્મલ તેમજ અનિલ નહેરના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. વિશાલને સારવાર માટે કામરેજની રેફરલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે કારચાલક નિર્મલનો મૃતદેહ સોમવારે સેગવા ગામથી એક કિલોમીટર દૂરથી સવારે મળ્યો હતો. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, અનિલના મૃતદેહની શોધખોળ સુરત ફાયર વિભાગની ટીમ કરી રહી છે.

લાપતા અનિલ અંગ્રેજી વિષયનો શિક્ષક
પાંચેય સંબંધીમાં અનિલનો મૃતદેહ ફાયર ફાઇટરો શોધી રહ્યા છે. પરંતુ નહેરમાં પાણી વધુ હોવાથી શોધખોળમાં તકલીફ થઈ રહી છે. અનિલના સંબંધીઓએ જણાવ્યું હતું કે, અનિલ પુણા ગામ પાસે આવેલી એક શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરે છે. આ ઘટનામાં બચી જનાર નીરજ અને રાજદીપ કારના કાચ તૂટી ગયા હોવાથી દરવાજામાંથી બહાર નીકળી ગયા હતા.

Most Popular

To Top