Dakshin Gujarat Main

ચીખલી હાઇવે પર બાઇક નાળા સાથે ધડાકાભેર અથડાતા સુરતના 3 યુવાનના મોત, સિમેન્ટ કોંક્રિટની દિવાલ અને નાળુ પણ તૂટી ગયું

ઘેજ: ચીખલી (Chikhli) નજીક મજીગામ નેશનલ હાઇવે (National Highway) પર સર્જાયેલા અકસ્માતમાં (Accident) મોટર સાયકલ પર સવાર સુરતના (Surat) ત્રણ જેટલાના મોત (Death) નીપજ્યા હતા. ચાલકનું ઘટના સ્થળે જ જ્યારે અન્ય બેના સારવાર અર્થે ખસેડાતા હોસ્પિટલમાં (Hospital) મોત નીપજ્યા હતા.

પોલીસ સૂત્રો અને ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના અક્ષય ચૌધરી અને તેમના અન્ય બે મિત્રો ત્રિપલ સવારી પલ્સર મોટર સાયકલ નંબર જી.જે. 05 એચઝેડ 0341 પર વલસાડ તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન સાંજના છ એક વાગ્યાના અરસામાં મજીગામ નેશનલ હાઇવેના અંડરપાસની આગળ ચાલકે કાબુ ગુમાવતા આ મોટર સાયકલ હાઇવેના વચ્ચેના નાળા સાથે ધડાકાભેર અથડાતા સિમેન્ટ કોંક્રિટની દિવાલ અને નાળુ પણ તૂટી ગયું હતું અને ત્રણેય યુવાનો ફંગોળાતા ચાલક અક્ષય શાંતુભાઇ ચૌધરીને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવને પગલે પોલીસ અને મજીગામના પૂર્વ સરપંચ કમલેશભાઇ, પૂર્વ ડેપ્યુટી સરપંચ રાજુભાઇ સહિતનાઓ ધસી જઇ ઇજાગ્રસ્ત બંને યુવાનોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દરમ્યાન ઇજાગ્રસ્ત સુરત પીપલોદના રાહુલ નામના યુવાનનું ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અને વલસાડ ખસેડાયેલા સુરત અડાજણના આશિફ નામના યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મરનાર યુવાનના મોબાઇલ ફોનના સીમકાર્ડના માધ્યમથી તેમના પરિવારનો સંપર્ક કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. આ લખાય ત્યારે મરનાર યુવાન અક્ષયના સંબંધી પિયુષ શાંતિલાલ ચૌધરી દ્વારા ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે અન્ય બે યુવાનોના પરિવારજનો ચીખલી આવવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top