Gujarat

તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી અપાશે : મંત્રી વિનોદ મોરડિયા

ગાંધીનગર: શહેરોના સર્વાંગી વિકાસ માટે મહત્વની ટાઉન પ્લાનિંગ-T.P. સ્કીમના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦થી વધુ T.P.સ્કીમને મંજૂરી આપવામાં આવી છે જ્યારે આગામી વર્ષમાં તેના કરતા પણ વધુ T.P.સ્કીમને મંજૂરી આપવાના લક્ષ્યાંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ.T.P.સ્કીમના અમલથી ખેડૂતોની જમીનના-મૂલ્ય-કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે તેમ આજે વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયાએ જણાવ્યું હતું. સોમવારે વિધાનસભામાં શહેરી વિકાસ વિભાગનું 14297 કરોડનું અંદાજપત્ર મંજૂર કરાયું હતું.

મોરડિયાએ કહ્યું હતું કે ગુજરાતના ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવાનું ૯૫ ટકા કામ પૂર્ણ થયું છે. આગામી સમયમાં તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું પાણી અપાશે. ગત વર્ષે તા.૨જી ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન પાર્ટ-૨ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાંથી ઘન કચરાનો નિકાલ કરવામાં આવશે.

અમદાવાદના પિરાણા ખાતે દૈનિક ૧૫,૦૦૦ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરી નિકાલ કરવામાં આવે છે. અંદાજે કુલ ૧.૨૫ કરોડ મેટ્રિક ટન ઘન કચરામાંથી અત્યાર સુધીમાં ૫૩ લાખ મેટ્રિકટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ૧૪ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ જમીન ઉપર વિવિધ વૃક્ષો વાવીને આધુનિક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ તમામ ઘન કચરાનો નિકાલ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર દ્વ્રારા પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ગ્રાન્ટના અભાવે કોઇ શહેરનો વિકાસ અટકવો જોઇએ નહી. વૈશ્વિક ઓળખ સમાન ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ડોલરના વટાવ માટે વિશેષ એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યું છે. આ એક્સચેન્જ ૨૨ કલાક કાર્યરત હોય છે જેના પરિણામે ગુજરાત સરકારને કરોડોનો ટેક્ષ પ્રાપ્ત થાય છે. ગિફ્ટ સિટીમાં હાલમાં અંદાજે ૧૧,૦૦૦થી વધુની રોજગારી ઉપલબ્ધ થઇ રહી છે.

મોરડિયાએ કહ્યું હતું કે, ભારતમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અમલીકરણથી શહેરોની સુરત બદલાઇ છે અને સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં પણ સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂા.૧૨,૬૫૪ કરોડના વિવિધ વિકાસ કામો આવરી લેવામાં આવશે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીન ઉપરથી દબાણો હટાવીને રસ્તા પહોળા કરવા સહિતના વિકાસ કામો કરવામાં આવશે.

Most Popular

To Top