Gujarat

સુરતમાં ભાજપના સ્નેહમિલનમાં હજારો કાર્યકતાઓ ઉમટ્યા: સીએમ, અમિતશાહ, પાટીલે કાર્યકર્તાઓના વખાણ કર્યા

સુરત: (Surat) ભાજપ (BJP) દ્વારા સુરતમાં બુધવારે સ્નેહમિલન કાર્યક્રમનું (Reunion program) આયોજન કરાયું હતું. કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ દ્વારા કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે ભાજપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ (C R Patil) હાજર રહ્યા હતાં. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વર્ચ્યુઅલી જોડાયા છે. સભા પહેલા ભાજપની બાઈક રેલી કાઢવામાં આવી હતી.

સુરતમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાઈક રેલીમાં કાર્યકર્તાઓ માથે કેસરી સાફો પહેર્યો હતો. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડ્યા હતા. દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતભરના ઉત્સાહનો સંચાર થયો છે. સુરત ઇતિહાસ રચવામાં માને છે. આજે પણ ઇતિહાસ રચાશે. જ્યારે મુખ્યમંત્રીએ સુરતમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ કહ્યું હતું કે સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધો છે.

સુરતમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફ્રન્સ મારફતે જોડાયા હતા. અમિત શાહે કહ્યું કે  હું ડિસેમ્બર મહિનામાં સુરતીઓને મળવા આવીશ. સુરત દેશભરમાં સ્વચ્છતા મામલે દેશમાં બીજા નંબરે આવતા અમિત શાહે સુરતીઓને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધો તેમ તમે ગાંધીનગર આવશો તો તમારો વટ પાડી દઈશ. આ અવસરે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે સ્નેહમિલનના કાર્યક્રમને જે કાર્યકર્તાઓએ રૂપ આપ્યું છે એ આખું ગુજરાત જોઈ રહ્યું છે. આ તાકાત આખા રાજ્યની તાકાત છે. દરેક તાલુકાઓની તાકાત આજે અહીં મોજુદ છે. પ્રધાનમંત્રીની નજર ગુજરાત પર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને સંબોધતા કહ્યું કે સુરત શહેર સ્વચ્છતામાં દેશભરમાં નંબર બે પર આવ્યું છે. આ બદલ સુરત વાસીઓને અભિનંદન. તમામ સફાઇ કર્મચારીઓને પણ અભિનંદન આપું છું. કોરોનામાં ગુજરાતે સારું કામ કર્યું છે. હું જ્યાં જાઉં ત્યાં કાર્યકર્તા ખુશ હોય છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હમેશા કામ કરતા આવ્યો છે. તાલુકા,જિલ્લા પંચાયત ના પરિણામો કાર્યકર્તાના બળે મળ્યા છે. આપણે 182 વિધાનસભાની બેઠક જીતવાની છે. 2022 મા આપણે રિઝલ્ટ આપીશું.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ભાજપના સ્નેહમિલનનો છે.સાથે સાથે સુરતને સતત બીજા વર્ષે સ્વચ્છતામાં નંબર-2 અપાવનાર શહેરીજનો, કર્મચારીઓ, સફાઈ કામદારોને પણ અભિનંદન પાઠવ્યા હતા. પ્રદેશ પ્રમુખે ભાજપના કાર્યકરોની વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપનો કાર્યકર્તા હોવું એ જ ગૌરવની વાત છે. કાર્યકર્તા સતત કર્મશીલ છે. નરેન્દ્ર મોદીએ 2002 થી અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો હતો. તે સતત આગળ વધ્યા છે કેમ કે, ભાજપના કાર્યકર્તા આ અશ્વની રક્ષા કરે છે. નરેન્દ્ર મોદીએ કરેલી ગુજરાતની સેવાને કારણે જ આજે પણ ગુજરાતમાં ભાજપના ઉમેદવારો જીતે છે. ભાજપને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવનાર અમીત શાહની મહેનતને પણ સી.આર.પાટીલે કાર્યકરોને યાદ અપાવી હતી.

Most Popular

To Top