SURAT

સુરતના આ વિસ્તારોમાં લાઈનદોરી મુકાશે, આ રોડ પરનું સર્કલ નાનું કરવા કામગીરી શરૂ થઈ

સુરત: (Surat) ઉધના-મગદલ્લા રોડ પર સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધી હાલમાં 45 મીટરનો રસ્તો ખુલ્લો છે. જો કે, ટી.પી. સ્કીમ નં.6, મજૂરા-ખટોદરા બની ત્યારે આ રસ્તો 40 મીટરનો કરાયા બાદ ડેવલપમેન્ટ પ્લાનમાં (Development Plan) આ રસ્તાને 60 મીટરનો કરવા જોગવાઇ કરાઇ હોવાથી વરસો પછી તેની અમલવારી માટે લાઇનદોરી (Alignment) મૂકવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે.

  • ઉ.મ. રોડ પર સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધીના રસ્તાને 60 મીટર પહોળો કરાશે
  • ડીપીમાં મુકાયેલા રસ્તાનો અમલ કરવા મોટું ડિમોલિશન કરવું પડે તેવી સ્થિતિ, લાઈનદોરી મુકાઈ
  • અનેક દુકાનો, એક હાઇરાઇઝ, પોલીસ સ્ટેશન અને મંદિરો કપાતમાં જશે

મનપા (Corporation) દ્વારા અહીં 45 મીટરના રસ્તાને 60 મીટરનો કરવા માટે લાઇનદોરી મુકાઇ છે. તેમાં કુલ 28 મિલકત કપાતમાં આવે છે. આ મિલકતોમાં દુકાનો, એક હાઇરાઇઝ, એક પોલીસ સ્ટેશન, મંદિર સહિતની મિલકતોને સમાવેશ થાય છે. ખાસ કરીને કપાતમાં જતી મિલકતોમાં કોમર્શિયલ વધુ હોવાથી અહીંના લોકોમાં નારાજગી છે. તેમજ આ લાઇનદોરી સામે 110 જેટલાં વાંધા-સૂચનો પણ આવ્યાં છે. જો કે, ડીપીનો અમલ કરવાનો હોવાથી રસ્તો પહોળો કરવો જરૂરી હોવાથી લાઇનદોરી મૂકીને મંજૂર કરવા તખ્તો ઘડાયો છે. જેના પર આગામી ગુરુવારે સ્થાયી સમિતિ નિર્ણય લેશે.

ડુમસ રોડ પર એસવીએનઆઈટી સર્કલ નાનું કરવા કામગીરી શરૂ થઈ

સુરત: પાલ-ઉમરા બ્રિજ શરૂ થયા બાદ બંને છેડે ટ્રાફિકમાં વધારો થયો છે. ખાસ કરીને ઉમરા છેડે એસવીએનઆઈટી સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વધી છે. જેના પગલે એસવીએનઆઈટી દ્વારા અઠવા ઝોનમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેમના મુખ્ય ગેટને ત્યાંથી ખસેડવા માટેની પરવાનગી આપવામાં આવે. જેથી કેમ્પસમાં આવનારા જનારાઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે. ત્યારબાદ એસવીએનઆઈટી સર્કલને જ નાનું કરવા માટે વિચારણા કરવામાં આવી હતી. જે અંગે સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે હવે અહીં સર્કલ તોડી તેને નાનું કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી અહીં ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે.

લિંબાયતના માધવબાગ પાસે નવા ખાડી બ્રિજ બનાવવા એલાઇમેન્ટ નક્કી કરાયું

સુરત: લિંબાયત ઝોનમાં પરવત ગામમાં માધવબાગ સોસાયટી પાસે દર ચોમાસામાં ખાડીપુરને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી આ સમસ્યાના નિરાકરણ માટે અહીં જુનો ખાડી બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. જો કે આ આયોજન પાછળ ચોક્કસ જમીન માલિકને લાભ કરાવવાની રમત હોવાની શંકા વચ્ચે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સમજાવટથી મામલો થાળે પડ્યો છે. મંગળવારે ટાઉન પ્લાનિંગ અને લિંબાયત ઝોન દ્વારા અહીં નવા બ્રિજ માટે 18 મીટર પહોળા રસ્તો બનાવવા માટે એલાઈમેન્ટ નક્કી કરાયું હતું.

Most Popular

To Top