દંપત્તિ દિવાળી પહેલા વતન ગયા હતા, ભાવનગરથી રોરો ફેરીમાં પરત સુરત આવ્યા અને..

સુરત: (Surat) શહેરના કતારગામ ખાતે રહેતું વૃદ્ધ દંપત્તિ દિવાળી બાદ ભાવનગરથી (Bhavnagar) ગઈકાલે રો-રો ફેરી સર્વિસમાં સુરત આવ્યું હતું. દરમિયાન બાઈક (Bike) લઈને ઘરે આવતી વખતે કવાસ ગામ પાસે ટ્રક અડફેટે અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું. ઇચ્છાપોર પોલીસે (Police) ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • દિવાળી પહેલા વતન ગયા હતા, ગઈકાલે સુરત આવતાની સાથે મહિલાને કાળ ભરખી ગયો
  • દંપત્તિ ભાવનગરથી રો-રો ફેરી સર્વિસમાં સુરત હજીરા આવ્યું
  • રો-રો ફેરી સર્વિસમાં સુરત આવ્યા અને આવતાની સાથે ઘરે પહોંચે તે પહેલા જ મહિલાને મોત મળ્યું હતું

મૂળ ભાવનગરના મહુવા તાલુકામાં તરેડ ગામના વતની અને સુરતમાં કતારગામ ખાતે અવધુતનગર સોસાયટીમાં રહેતા 63 વર્ષીય નટવરભાઇ પિતાંબરભાઇ જાતે કાકલોતર ગઈકાલે સવારે તેમની પત્ની લાખુબેન તથા તેમની બાઈક (જીજે-05-ઈએલ-4318) લઈને ઘોઘા બંદરે આવ્યા હતા. ઘોઘાથી રો-રો ફેરી સર્વિસમાં સુરત હજીરા ખાતે રાત્રે આવ્યા હતા. જ્યાં બાઈક ઉતારીને પત્ની સાથે તેઓ કતારગામ ખાતે જતા હતા ત્યારે મોરા ત્રણ રસ્તાથી કવાસ પાટિયા તરફ જવાના રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપની સામે એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લીધા હતા.

બાઈકને ટક્કર મારતા નટવરભાઈ અને તેમની પત્ની નીચે પટકાયા હતાં. લાખુબેનના માથા ઉપરથી ટ્રક્નું ટાયર ફેરવી કચડી નાખતા તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. વધુમાં દંપત્તિ દિવાળી પહેલા વતન ભાવનગર ગયા હતા. ગઈકાલે રો-રો ફેરી સર્વિસમાં સુરત આવ્યા અને આવતાની સાથે ઘરે પહોંચે તે પહેલા જ મહિલાને મોત મળ્યું હતું. નટવરભાઈ નિવૃત્ત જીવન જીવે છે. તેમનો પુત્ર રત્નકલાકાર છે. ઇચ્છાપોર પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top