SURAT

સુરત: સામાન્ય પરિવારની દીકરીએ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ થીમને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું

સુરત: આજના આધુનિક યુગમાં દરેક પગલે માણસની કસોટી થાય છે. આ સમયે જે વ્યક્તિ ધૈર્ય અને લગનથી પોતાના ધ્યેય પાછળ મંડ્યા રહે છે તેને જ સફળતા મળે છે. આ વાક્યને સુરતના (Surat) ડીંડોલી વિસ્તારમાં રહેતી એક સામાન્ય પરિવારની દીકરીએ સાર્થક કરી આજે સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બન્યા છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી રક્ષા પાટીલના પરિવારમાં દાદી, માતા, એક મોટી બહેન અને એક નાનો ભાઈ છે. માતા આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવે છે.

ધોરણ-12માં 94.40 ટકા મેળવનાર રક્ષાએ જણાવ્યું હતું કે, પહેલાંથી મારું ધ્યેય હતું કે ભણી-ગણી સમાજ કલ્યાણના કાર્ય કરીને પરિવારનું નામ રોશન કરવું છે. ત્રણેય ભાઈ બહેનને પહેલાથી અભ્યાસમાં રૂચિ રહેલી છે. મેં ધોરણ-૬થી ખરવર નગર સ્થિત પી.એચ. બચકાનીવાલા શાળામાં અભ્યાસ કર્યો છે. કોરોના કાળના કારણે માસ પ્રમોશન મળ્યુ એટલે બોર્ડ પરીક્ષા આપી ન હતી. હું દરરોજ 100 માર્ક્સના પેપર લખવાની તૈયારી કરતી હતી. ટ્યૂશન અને સ્કૂલમાં દર અઠવાડિયે અને મહિને પેપર લખવાની તૈયારીઓ કરાવતા. એટલે કેટલા સમયમાં કેટલું પેપર લખાય તેનું ટાઈમ મેનેજમેન્ટ પણ ખૂબ જરૂરી હોય છે. દિવાળી પહેલા દરરોજ 3 કલાકનું વાંચન કરતી. ત્યાર બાદ વાંચનનો સમય વધારીને પરીક્ષા સુધીમાં દિવસના 9 કલાક સુધીનો કર્યો હતો.

ધોરણ-12માં ઓવર કોન્ફિડન્સથી નહીં પણ કોન્ફિડન્સથી સારા માર્ક્સ આવ્યા એમ જણાવી રક્ષાએ કહ્યું કે, આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન છે પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કઇ દિશામાં કરવુ તે વ્યક્તિગત હોય છે અને હું તેનાથી દૂર રહી એનું સચોટ પરિણામ મને મળ્યું છે. વિદ્યાર્થીઓમાં ગેર માન્યતા ઘણી હોય છે કે, કમ્પ્યૂટર વિષયથી રાખવાથી રેન્કિંગ ઓછું આવે છે. પરંતુ મનગમતા વિષયમાં પુરતી મહેનત કરવામાં આવે તો રેન્કિંગ વધારવામાં તે ખૂબ મહત્વનું બની જાય છે.

રક્ષાએ કહ્યું પસંદગીનો વિષય એકાઉન્ટમાં 100 માંથી 100 આવ્યા અને કોમ્પ્યુટરમાં 100 માંથી 95 માર્ક્સ આવ્યા. હું ધોરણ-11માં આવી ત્યારથી બોર્ડની પરીક્ષાની જેમ તૈયારી શરૂ કરી દીધી હતી. ધોરણ 12માં એ-1 ગ્રેડ સાથે 94.40 ટકા સ્કૂલમાં પણ પ્રથમ આવીશ એવું ધાર્યું પણ ન હતું. પરતું મારા પરીણામની પાછળ મારા શાળાના પ્રિન્સિપલ, શિક્ષકો, ટ્યૂશનના શિક્ષકો અને પરિવારના સતત પ્રોત્સાહનથી મારો આત્મવિશ્વાસ વધતો રહ્યો હતો.

તેણે વધુમાં કહ્યું કે અત્યારે હું બી.એ.ની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું. ભવિષ્યમાં સારી પોસ્ટ મળશે તો સમાજમાં રહેલી ઘરેલું હિંસાથી પિડીત દિકરીઓ-માતાઓ પર થતી અત્યાચારથી બચી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે એ પ્રકારની કામગીરી કરવા અંગે પ્રતિબધ્ધતા દર્શાવી કહ્યું કે, મહિલાઓના આર્થિક, સામાજિક અને શારીરિક ઉત્થાન માટે શરૂ કરેલા ‘નારી વંદન ઉત્સવ’માં જે નારીઓનું સન્માન થયું છે એ સાચા અર્થમાં માતાઓનું સન્માન કર્યું છે. આજે DBT (ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર) મારફતે રૂ. 5000નાં પ્રોત્સાહક ઈનામ મળ્યું જે બદલ રાજ્ય સરકાર અને વહિવટી તંત્રનો ઋણ સમાજ સેવા કરીને ચૂકવીશ.

Most Popular

To Top