SURAT

લો બોલો.. સુરતમાં સ્કૂટર કે કાર નહીં પણ બુટલેગરો અશોક લેલેન્ડમાં દારૂ ભરીને લાવ્યા

સુરત: (Surat) શહેરના પાંડેસરા ખાતે પલસાણાથી એક બોલેરો અને એશોક લેલન્ડમાં (Ashok Leyland) લવાઈ રહેલો 6.33 લાખનો દારૂ (Alcohol) પાંડેસરા પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને ગાડીના ડ્રાઈવરને ઝડપી કુલ 15.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

  • એક બોલેરો અને અશોક લેલેન્ડમાં પલસાણાથી લવાયેલો 6.33 લાખનો દારૂ ઝડપાયો, ત્રણ વોન્ટેડ
  • બંને ગાડીમાં 132 ખાખી બોક્સમાં દારૂ ભરેલો હતો, પાંડેસરા પોલીસે બેને પકડી 15.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • બિશ્નોઇ તથા દેવાભાઇ બોલેરો પિકઅપ તથા અશોક લેલનમાં દારૂનો જથ્થો ગેરકાયદે રીતે ભરી લાવ્યા હતા અને આ દારૂનો જથ્થો મંગાવનાર મનોજ પટેલને આપવા જતા હતા

પાંડેસરા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે પાંડેસરા સિધ્ધાર્થનગર સી.એન.જી. પમ્પ પાસે ઉધના-નવસારી મેઇન રોડ પરથી બે આરોપી પ્રવીણકુમાર ક્રિષ્ણારામ બિશ્નોઇ (ઉં.વ.28) (રહે., સાઇદીપ સોસાયટી, પ્લોટ નં.૭૨૦, જોળવા, તા.કડોદરા, જિ.સુરત તથા મૂળ ઝાલોર, રાજસ્થાન) તથા ભજનલાલ બાબુલાલ બિશ્નોઇ (ઉં.વ.31)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 6.33 લાખની કિંમતના દારૂની 6336 બોટલ મળી હતી. ભજનલાલ અને પ્રવીણ બંનેએ સુનીલ ઉર્ફે શ્રીરામ બિશ્નોઇ તથા દેવાભાઇએ બોલેરો પિકઅપ તથા અશોક લેલનમાં દારૂનો જથ્થો ગેરકાયદે રીતે ભરી લાવ્યા હતા. અને આ દારૂનો જથ્થો મંગાવનાર મનોજ પટેલને આપવા જતા હતા.

પોલીસે તેમને ઉધના-નવસારી મેઇન રોડ પર દારૂની હેરાફેરી કરતાં બોલેરો પિકઅપ નં.(GJ-05-BV-9580) તથા અશોક લેલન નં.(GJ-03-AX-9715) સાથે પકડી પાડ્યા હતા. જેમાં ચેક કરતાં ખાખી કલરનાં 132 બોક્સ (પેટી) હતાં. અને દારૂની 6336 બાટલી કિંમત 6.33 લાખ મળી આવી હતી. બોલેરો પિકઅપ ગાડીની કિંમત 6 લાખ અને અશોક લેલન દોસ્તની કિં.3.50 લાખ તથા બંને પાસે મળેલા મોબાઈલ અને રોકડ મળી કુલ 15.90 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સિવાય પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર સુનીલ ઉર્ફે શ્રીરામ વિરદારામ બિશ્નોઇ (રહે., સાંઇ દર્શન સોસાયટી, વરેલી, કડોદરા), દારૂનો જથ્થો મોકલનાર દેવાભાઇ તથા દારૂનો જથ્થો લેનાર મનોજ પટેલ (રહે.,ઉધના)ને વોન્ટેડ જાહેર કર્યા છે. ભજનલાલ બાબુલાલ બિશ્નોઇ સામે વરાછા પોલીસમાં દારૂના બે, ગોડાદરામાં એક ગુનો દાખલ છે. જ્યારે પ્રવીણ બિશ્નોઇ સામે કામરેજમાં એક ગુનો દાખલ છે.

Most Popular

To Top