SURAT

સુરત એરપોર્ટ પર ઓગસ્ટ સુધી CISFની એન્ટ્રી: એરપોર્ટ ઓથોરિટીને 35 ફ્લેટની વ્યવસ્થા માટે ફરમાન

સુરત: જૂન-2020માં કેન્દ્રના ગૃહમંત્રાલયે સુરત (Surat)ના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Airport)ને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)નું 360 જવાનોનું મહેંકમ ફાળવવા આદેશ આપ્યો હતો.

જોકે તે સમયગાળામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે પુરતુ ફંડ નહીં હોવાથી 95થી 114 જવાનોનો સ્ટાફ ફાળવવા માટે બ્યૂરો ઓફ એવિયેશન સિક્યોરિટીઝ(BCAS) દ્વારા મંજૂરીને મોહર મારવામાં આવી હતી. જોકે તે પછી પણ સીઆઇએસએફના પરિવાર સાથે રહેતા અધિકારીઓ અને એકલવાયુ જીવન જીવતા જવાનો માટે એરપોર્ટ પરિસર (Airport campus)માં 8થી 9 કરોડના ખર્ચે બેરેક બનાવવા અને હંગામી આવાસ ઉભા કરવા જણાવવામાં આવ્યું હતું.

એએઆઇ પાસે ફંડ નહોવાથી આ કામ થયુ ન હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના પછીની સ્થિતિને ધ્યાને રાખી હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કેન્દ્રના ગૃહમંત્રાલયે બીસીએએસ સુરતમાં સીઆઇએસએફના જવાનો માટે 35 ફ્લેટ ભાડેથી લેવાનો વચગાળાનો રસ્તો સૂચવતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સુરત ડિવિઝન હવે એરપોર્ટ પરિસરની ચાર કિલોમીટરની ત્રિજ્યામાં એક સાથે એક પરિસરમાં 35 ભાડાના ફ્લેટ મળે તેની શોધખોળ ચલાવી રહ્યુ છે. એએઆઇ ટુ અને થ્રી બીએચકે ફ્લેટની શોધખોળ કરી રહ્યુ છે. આ ખર્ચ પેટે એએઆઇ છથી આઠ લાખ ભાડું ચૂકવવા તત્પર છે. કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સીઆઇએસએફનો બંદોબસ્ત ફરજિયાત રાખવાનો હોય છે. શારજાહ-સુરત ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા પછી કસ્ટમ નોટીફાઇડ એરપોર્ટને મળતા અત્યારે ગુજરાત સરકારના કરાર પ્રમાણે સુરત શહેર પોલીસના 95 પોલીસ કર્મચારીઓ વિનામુલ્યે એરપોર્ટની સિક્યોરિટી સંભાળી રહ્યા છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી રહી છે.

બીસીએએસ દ્વારા 55 ટકા સ્ટાફ બેરેક માટે અને પરિવાર સાથેનો 45 ટકા સ્ટાફ એરપોર્ટ નજીક રાખવાનો નિર્ણય લેવાયો હતો

માર્ચ 2019માં બીસીએએસ દ્વારા સુરત એરપોર્ટ માટે 360 સીઆઇએસએફના અધિકારી, જવાનોનું મહેંકમ મંજૂર કરાયું હતું. તે પૈકી 55 ટકા સ્ટાફ બેરેક માટે અને પરિવાર સાથેનો 45 ટકા સ્ટાફ એરપોર્ટ નજીક રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ બેરેક બનાવવા માટે મોટી રકમનો ખર્ચ હોવાથી બીસીએએસના ચીફ રાકેશ અસ્થાના વચગાળાની આ વ્યવસ્થા કરતા ગયા હતા. આ કાર્યમાં સુરતના માજી મ્યુનિસિપલ કમિશનર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માજી ચેરમેન ગુરૂપ્રસાદ મહાપાત્રાએ પણ મંજૂરી માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા.

Most Popular

To Top