Business

સુરતની નવી સિવિલમાં મળશે સુપર સ્પે,શિયાલિટી સારવાર,સિવિલમાં અદ્યતન કેથલેબની શરૂઆત,

દક્ષિણ ગુજરાતના લાખો દર્દીઓ માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે.New Civil Hospitalમાં સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ અદ્યતન કેથેટરાઈઝેશન લેબોરેટરી કેથલેબ શરૂ કરવામાં આવી છે. હવે હૃદયના બ્લોકેજથી લઈને માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓના ગંભીર રોગોનું નિદાન અને સારવાર સુરતમાં જ શક્ય બનશે.અંદાજે રૂ. ૩ કરોડના ખર્ચે સ્થાપિત આ અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઈમ્પ્લાન્ટેશન જેવી જીવનરક્ષક સારવાર મળશે. ખાસ વાત એ છે કે એન્ડોવાસ્ક્યુલર ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી પદ્ધતિ દ્વારા હવે મોટા ઓપરેશન વિના, નાનાં છિદ્ર મારફતે કેથેટર દાખલ કરી સ્ટેન્ટિંગ, એમ્બોલાઈઝેશન અને થોમ્બેક્ટોમી જેવી પ્રક્રિયાઓ કરી શકાશે. એટલે કે દર્દીઓને ઓછું દુખાવો, ઓછી જોખમ અને ઝડપી આરોગ્યલાભ મળશે.

કેથલેબ શરૂ થવાના પહેલા જ દિવસે મગજ અને પગની નસોના દર્દીઓની સફળ એન્ડોવાસ્ક્યુલર સારવાર કરવામાં આવી હતી. હવે નસ પાતળી થવી, નસમાં ફુગ્ગો (એન્યુરિઝમ) બનવો, નસનો ગુચ્છો બનવો અને વધુ બ્લીડિંગ થવા જેવી ગંભીર પરિસ્થિતિઓમાં તાત્કાલિક સારવાર ઉપલબ્ધ રહેશે.આ ઉપરાંત થાઇરોઈડ અને પ્રોસ્ટેટ જેવી કેન્સર સિવાયની સાદી ગાંઠોની સારવાર પણ અહીં શક્ય બનશે. ચોક્કસ પ્રકારના કેન્સરના દર્દીઓમાં જ્યાં સર્જરી શક્ય નથી, ત્યાં ગાંઠ નાની કરવા માટે કેમો-એંબોલાઈઝેશન જેવી અદ્યતન સારવાર પણ આપવામાં આવશે.કેથલેબના પ્રારંભ પ્રસંગે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. ધારિત્રી પરમાર, RMO ડૉ. કેતન નાયક, ઈન્ટરવેન્શન ન્યુરોલોજિસ્ટ ડૉ. પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના પ્રો. ડૉ. પૂર્વી દેસાઈ ઈન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડૉ. હિરેન રાઠોડ સહિત આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવી સુવિધાથી હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જવાની જરૂરિયાત ઘટશે. આવનારા સમયમાં કાર્ડિયાક વિભાગની સંપૂર્ણ સુવિધા પણ નવી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે.નવી સિવિલની આ પહેલ આરોગ્યસેવામાં એક નવા યુગની શરૂઆત સાબિત થઈ રહી છે  જ્યાં અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ મળીને દર્દીઓને જીવનની નવી આશા આપી રહી છે. 

Most Popular

To Top