Columns

સુલક્ષ્મી – કુલક્ષ્મી

ગામને પાદરે એક દેવી પ્રગટ થયાં. રૂપ રૂપનો અંબાર.લાલ સાડી.પગથી માથા સુધી સોનાનાં ઘરેણાં.હાથમાંથી સતત ધનનો વરસાદ થતો હતો.ગામને પાદરેથી થોડે દૂર અંદર જંગલમાં એક શિવમંદિરમાં ચંદન ચઢાવવા જતા બ્રાહ્મણે તેમને જોયાં અને આભો બની ગયો.દેવીએ તેને કહ્યું, ‘ગોર મહારાજ, હું ધનની દેવી છું અને તમારા ગામના હરિભક્ત શેઠ સત્યપાલને ત્યાં જવા આવી છું પરંતુ હવે જો શેઠ મને તેડાવે અને નિમંત્રણ આપે તો જ હું તેમને ત્યાં જઈ શકું એટલે તમે મારું આ એક કામ કરો. શેઠને જઈને મારો આ સંદેશો આપો.’ બ્રાહ્મણ નમન કરી દોડ્યો શેઠ સત્યપાલની હવેલીએ અને જઈને વધામણી આપી, ‘શેઠજી, જલ્દી વાજા વગડાવો, તમારા ઘરે આવવા ગામને પાદરે ધનની દેવી પધાર્યાં છે.તેમણે સંદેશ કહેવડાવ્યો છે કે તમે ઘરે પધારવાનું નિમંત્રણ આપો એટલે તેઓ તમારે ત્યાં પધારે.’ શેઠ સત્યપાલ જ્ઞાની,સમજુ અને ધીરજવાન હતા. તેમણે બ્રાહ્મણને કહ્યું, ‘ગોર મહારાજ, તમે જ મારા તરફથી નિમંત્રણ લઈને દેવીને તેડવા જાઓ, પરંતુ નિમંત્રણ આપતાં પહેલાં તેમને પૂછજો કે તેઓ સુલક્ષ્મી છે કે કુલક્ષ્મી.જો તેઓ જવાબ આપે કે સુલક્ષ્મી તો નિમંત્રણ આપી આદર સાથે અહીં તેડી લાવજો અને જો તેઓ જવાબ આપે કુલક્ષ્મી તો નિમંત્રણ આપતા નહિ.’

બ્રાહ્મણ ગામના પાદરે ગયો.દેવી ત્યાં જ ઊભાં હતાં.બ્રાહ્મણે દેવીને પૂછ્યું, ‘દેવી, તમે સુલક્ષ્મી છો કે કુલક્ષ્મી? શેઠજીએ માત્ર સુલક્ષ્મી માટે જ નિમંત્રણ પાઠવ્યું છે.’ ધનની દેવીએ કહ્યું, ‘હું કુલક્ષ્મી છું. હું પાછી વળી જાઉં છું.’ દેવીના હાથમાંથી સતત વરસતા પૈસાના ઢગલા પર બ્રાહ્મણની નજર હતી. મનમાં લાલચ સાથે તેણે કહ્યું, ‘દેવી, હું નિમંત્રણ આપું છું. મારા ઘરે પધારો.’ કુલક્ષ્મીએ કહ્યું, ‘ના એ શક્ય નથી પરંતુ તેં મારો સંદેશ પહોંચાડવાનું કામ કર્યું છે એટલે તને આ જમીન પર પડેલા પૈસામાંથી જેટલા જોઈએ એટલા લઇ લે.’ બ્રાહ્મણ રાજી થઇ ગયો અને પોતાના થેલામાં અને ઝભ્ભાના ખિસ્સામાં પૈસા ભર્યા પછી પછેડીમાં પૈસાનું પોટલું બાંધ્યું અને જેવો ઊભો થવા જાય તે ઊભો થઈ શક્યો નહિ.પૈસાના ઢગલા સાથે ચોંટી ગયો.

કુલક્ષ્મી હસવા લાગ્યાં અને બોલ્યાં, ‘હું કુલક્ષ્મી છું. કોઈ મને પામીને ખુશ રહી શકતું નથી.હવે તારે જો આ મોહ્જાળથી છૂટવું હોય તો તારી પાસે જે હોય તે બધું આપી દે તો તું છૂટી શકીશ.કુલક્ષ્મી કોઈને કંઈ આપતી નથી, ઉલટું તમારી પાસે જે હોય તે પણ હું લઇ લઉં છું.’ બ્રાહ્મણ રડવા લાગ્યો, બોલ્યો, ‘દેવી હું તો ગરીબ બ્રાહ્મણ છું. લાલચ કરી બેઠો.મારી પાસે કંઈ નથી, માત્ર ચંદન છે, જે હું શિવજીને ચઢાવવા જઈ રહ્યો હતો.’ દેવીએ કહ્યું, ‘તો તે આપી દે ..તો જ તું મુક્ત થઇ શકીશ.’ બ્રાહ્મણે ચંદન મૂક્યું તે લઈને દેવી અદ્રશ્ય થઈ ગયાં. લાલચ કરવી નહિ અને કુલક્ષ્મી, અણહ્કની, વિના મહેનતની લક્ષ્મીનો સ્વીકાર કરવો નહિ.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top