Charchapatra

યુવાનોના સ્વાસ્થ્યને બચાવનારું વડા પ્રધાનનું વિરાટ પગલું

ધો.12 ની સીબીએસસી બોર્ડની પરીક્ષા રદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના શિક્ષણ જગતના ઇતિહાસમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. કોરોના મહામારીની બીજી લહેરે કેન્દ્રની મોદી સરકારને હચમચાવી હતી. વિપક્ષો અને હાઇકોર્ટો તથા સુપ્રીમ કોર્ટ પણ કેન્દ્ર સરકાર પર ટીકાઓની ઝડી વરસાવતી હતી. છતાં શાંત મનના મોદીએ કોઈની પણ ટીકાનો જવાબ આપ્યા વિના પ્રજાની સુરક્ષા માટે જેટલાં પગલાં વહેલી તકે ભરાય તેટલાં ભરતા રહ્યા. વિદેશી સહાયો પણ સ્વીકારી. જેના કારણે જૂન મહિનાની શરૂઆતમાં કોરોનાએ પણ સરકારને અને લોકોને રાહતનો શ્વાસ લેવા દીધો છે. હવે તજજ્ઞો, ડોકટરો, વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેર પણ આવશે જ એવી આગાહી કરી રહ્યા છે. આ બધી સંભાવનાઓ વચ્ચે ધો.12 ની સી.બી.એસ.સી. બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય અભૂતપૂર્વ પગલું છે.

કોરાના મહામારીની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાને લઇ દેશની તમામ રાજ્ય સરકારોએ આ પગલાને અનુસરવું જોઇએ. ધો.12 ની માર્કશીટ બાબતે સી.બી.એસ.સી. બોર્ડની ગાઈડલાઈન ધ્યાને લઇ થોડા પ્રાદેશિક ફેરફારો સાથે એકસૂત્રતા જાળવવી જોઇએ. કેટલાક ચોખલિયાવેડા કરનારા શિક્ષણકારો, શાળા કોલેજના સંચાલકો આ નિર્ણય સામે જાત-જાતનાં ભયસ્થાનો બતાવશે. અખબારી કોલમ લખનારાઓ પણ બિહામણું ચિત્ર દર્શાવશે. કેટલાંક લોકો ભૂતકાળ ઉખેડી 1974 ના નવનિર્માણ આંદોલનની વાતો કરશે. પરંતુ આવાં લોકો આ વાતને બાજુએ રાખશે કે કોરોના મહામારી હાલ વિશ્વસ્તરની અકલ્પનીય દુર્ઘટના સમાન છે.
ગણદેવી-રમેશ કે. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top