SURAT

કાપડ માર્કેટ શરૂ કરાવવા માટે એસોસિએશનો દ્વારા ચેમ્બરને રજૂઆત

સુરત: કોરોના ( corona) ની બીજી લહેરને રોકવા માટે તા .૧૭ મી સુધી રાજય સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ટેક્સટાઈલ માર્કેટ ( textiles market) બંધ રાખવા માટે પોલીસ વિભાગ તરફથી કાપડ વેપારીઓને આદેશ આપવામાં આવ્યો છે. કાપડ માર્કેટમાં સતત બંધને લીધે હજારો કરોડના વેપારને અસર પડી રહી છે. લાખો લોકો બેરોજગાર બન્યા છે. ફોસ્ટા સહિત કાપડ માર્કેટના સંગઠનોના દુકાન ખોલાવવા માટેના અસફળ પ્રયત્નો બાદ હવે માર્કેટના ( market) એસોસિએશન કાપડ વેપારીઓની દુકાનો ખોલાવવા માટે કલેકટર,પોલીસ – પાલિકા કમિશનર અને ચેમ્બર ઓફ કોમર્સને પત્ર લખીને માંગણી કરી છે. ચેમ્બરે માર્કેટો ચાલુ કરાવવામાં આવી હતી ત્યારે ફોસ્ટાએ ફરીથી બંધ કરાવી હતી.ત્યારબાદ હવે કાપડ માર્કેટ શરુ કરવાના નિર્ણયને માર્કેટના વેપારીઓનું નેતૃત્વ કરતી સંસ્થાઓએ વર્ચસ્વનો મુદ્દો બનાવી લીધો છે . કાપડ માર્કેટની સંસ્થાઓના આંતરિક મતભેદના કારણે વેપારીઓનો ખો નીકળી રહ્યો છે.


થોડા દિવસ પૂર્વે ફોટાના વેપારીઓ દ્વારા કાપડ માર્કેટ ખોલાવવા માટે પોલીસ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી પણ પોલીસે ના પાડી દીધી હતી. જેને પગલે ગુરુવારે ચેમ્બર ઓફ કોમર્સે ડીજીપી આશિષ ભાટિયા સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં કાપડ, હીરા માર્કેટ સિવાયના તમામ હોલસેલની દુકાનોને ૪ કલાક ખોલવા માટે પરવાનગી માંગી છે . તેની સામે તંત્ર તરફથી કોઈ પણ ચોકકસ બાંહેધરી નહીં મળતાં હવે માર્કેટ એસોસિયેશનો પોતા પોતાની રીતે કલેકટર , પોલીસ – પાલિકા કમિશનર અને ચેમ્બર ઓફ કોમર્સને દુકાનો ખોલવા માટે માંગણી કરી રહી છે .

સુરત ટેક્સટાઈલ માર્કેટ તથા સારોલીની વિવિધ માર્કેટો વત્તી લેન્ડમાર્ક માર્કેટે સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી રિંગરોડ અને સારોલી એમ બંન્ને વિસ્તારની માર્કેટને ખોલાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ સુરત મર્કન્ટાઇલ એસોસિયેશન સમક્ષ માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે માર્કેટ બંધ રહેતા વેપારીઓમાં નારાજગીનો માહોલ છે અને વેપારીઓનું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થાઓ રજિસ્ટર્ડ છે કે નહીં તેવી ચર્ચાઓ વેપારીઓમાં શરૂ થઇ છે

Most Popular

To Top