SURAT

સ્ટાર એર હવે 16 ફેબ્રુઆરીથી સુરત-જોધપુરની ફ્લાઈટ શરૂ કરશે

સુરત: સુરત એરપોર્ટથી (Surat Airport) ઉડાન સ્કીમ હેઠળ સ્ટાર એર દ્વારા બેલગાવી-સુરત-કિસનગઢ (અજમેર)ની ફલાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે તેને લઇને આ એરલાઇન્સ દ્વારા 16 ફેબ્રુઆરીથી સુરતથી જોધપુરની (Surat To Jodhpur) સીધી ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વી-વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા એરલાઇન્સને સુરતથી જોધપુર અને ઇંદોરની ફલાઇટ માટે રજૂઆત કરાઇ હતી તે પછી એરલાઇન્સ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, ગુરૂવાર અને રવિવારે ફલાઇટ ઓપરેટ કરવા માટે સુરત એરપોર્ટ પર સ્લોટની માંગણી કરવામાં આવી છે. જોકે એરલાઇન્સના (Airlines) સૂત્રોએ તારીખ અને દિવસો સત્તાવાર રીતે પાછળથી જાહેર કરવા જણાવ્યું છે કારણ કે સ્લોટની ફાળવણી થવાની હજી બાકી છે.

ખાનગી એરલાઈન્સ કંપની સ્ટાર એર સુરત-બેલગાવી-કિશનગઢને જોડતી વિમાની સેવા શરૂ કર્યાના એક મહિનાના ટૂંકા ગાળામાં જ વધુ એક વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત એરપોર્ટને વધુમાં વધુ ડોમેસ્ટીક એર કનેક્ટિવીટી મળી રહે તે માટે લડત ચલાવી રહેલા વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સુરતને જોધપુર અને ઈન્દોર સાથે જોડતી વિમાની સેવા શરૂ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.

આ અગાઉ સ્પાઈસ જેટ કંપની જોધપુર સુરત વચ્ચે વિમાની સેવા આપતી હતી, જેમાં 86 ટકા પેસેન્જર ટ્રાફિક મળતો હતો. જેના આંકડા પણ સ્ટાર એરને વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સુપરત કરાયા હતા, જેના પગલે સ્ટાર એર કંપની દ્વારા સુરત-જોધપુર વચ્ચે ફ્લાઈટ ઉડાડવા માટેનું કન્ફર્મેશન ઈ-મેઈલ મારફતે આપ્યું છે. સ્ટાર એર કંપની આગામી તા. 16 ફેબ્રુઆરીથી સુરત-જોધપુર વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ કરશે. પ્રાથમિક તબક્કામાં અઠવાડિયામાં 3 દિવસ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ફ્લાઈટ ઉડાડવામાં આવશે. આગામી સમયમાં સમયપત્રક જાહેર કરવામાં આવશે.

સુરતને વધુમાં વધુ કનેક્ટીવીટી મળે તે માટેના પ્રયાસ સુરતીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતમાં ઉદ્યોગકારોના વેપાર દેશના અન્ય મોટા શહેરો માટે જોડાયેલ હોઈ વી-વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સુરતને વધુમાં વધુ શહેરોની કનેક્ટિવીટી મળે તે માટેના પ્રયાસ કરાઈ રહ્યાં છે. એરલાઇન્સને સુરતથી જોધપુર અને ઇંદોરની ફલાઇટ માટે રજૂઆત કરાઇ હતી. એરલાઇન્સ દ્વારા 16 ફેબ્રુઆરીથી સુરતથી જોધપુરની સીધી ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top